Patan News: પાટણના લણવા ગામના 16 વર્ષીય વિદ્યાર્થી અયાન પટેલે ખેડૂતો ટેકનોલોજી સાથે ખેતી ક્ષેત્રે આગળ વધે તેવા હેતુ સાથે AI આધારિત સોલાર ઇરિગેશન રોવર મશીન બનાવી તેનો ઉપયોગ કરીને સંશોધન સફળ રહ્યું હોવાનું પુરવાર કરી બતાવ્યું છે.
અયાન 12 સાયન્સમાં અભ્યાસ કરે છે
અયાન પટેલ અમદાવાદ ખાતે 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. અભ્યાસ દરમિયાન પ્રોજેક્ટ રૂપે ખેતીમાં સિંચાઈના પ્રશ્નોને હલ કરવાના ઉદ્દેશ સાથે એક કંપનીના સહયોગથી AI આધારિત સોલાર ઇરિગેશન રોવરનું પ્રોટોટાઈપ બનાવ્યું છે. આ મશીન સૂર્ય ઊર્જા સંચાલિત છે. આ રોવર મશીન જમીનના ભેજ, PH લેવલ, તાપમાન અને ફળદ્રુપતા માપીને ખેતરમાં ફક્ત જરૂરિયાત મુજબ પાણી, ખાતર માત્રા નક્કી કરી શકે છે. આ પ્રયોગ લણવા ગામના કપાસના ખેતરોમાં યુવકે કરતા સફળ રહ્યો હતો. અયાન પટેલે પોતાનું સંશોધન ગણપત યુનિવર્સિટીના કૃષિશિક્ષણ વિભાગમાં રજૂ કર્યું હતું, જ્યાં નિષ્ણાતોએ સુધારા માટે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
લોકોને તેનાથી રોજગારી મળશે
સામાજિક પહેલ કૃષિમિત્ર દ્વારા 3,300થી વધુ ખેડૂતો સુધી પહોંચ, 240 મહિલાઓને સ્વરોજગારમાં સક્ષમ બનાવવાની તથા 120 યુવાનોને ટકાઉ ખેતી સાથે જોડવાની સિદ્ધિ મળી છે. આ અંગે અયાન પટેલે જણાવ્યું કે, હું કંઈક નવું નથી કરી રહ્યો, પરંતુ મારા દાદાના વારસાને આગળ લઈ જઈ રહ્યો છું. આજના પડકારો સામે ખેતીને નવી દિશા આપવા પ્રયાસ કરી રહ્યો છું.
ખેતીમાં તેનો સફળ પ્રયોગ કરાયો
અયાને પોતાના ગામ લણવામાં બનાવેલા AI આધારિત રોવર મશીનનો ગામના પંદર ખેતરોમાં કપાસના પાકમાં ઉપયોગ કર્યો હતો. અને જેના આધારે જરૂરિયાત મુજબ પાણી અને ખાતર સહિત ભેજની માપણી આધારિત જ ખેતી કરતા પાકમાં 30 ટકા ઉત્પાદન વધવાની સાથે પાણીનો પણ 70 ટકા પાણીનો વપરાશ ઘટાડો થયો હોવાનું જોવા મળ્યું હતું.