પાવાગઢ જતા માઈભક્તો માટે મોટા સમાચાર, નવરાત્રિમાં રોપ-વે સેવાનો સમય બદલાયો; જાણો નવું સમયપત્રક

રોપ-વે સેવાનું સંચાલન કરતી ઉષા બ્રેકો લિમિટેડ કંપનીએ આગામી 11 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી નવું સમયપત્રક જાહેર કર્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 06 Oct 2026 09:40 AM (IST)Updated: Tue, 06 Oct 2026 09:40 AM (IST)
pavagadh-temple-ropeway-special-timing-navratri-2026-panchmahal

Panchmahal News: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પાવન ઉત્સવને અનુલક્ષીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહાકાળી માતાના દર્શનાર્થે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને તથા તેમની યાત્રા સુગમ બને તે માટે રોપ-વે સેવાનું સંચાલન કરતી ઉષા બ્રેકો લિમિટેડ કંપની દ્વારા નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, જે આગામી 11 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.

પાવાગઢ રોપ-વે સેવાનું નવું સમયપત્રક

જાહેર કરેલી વિગતો અનુસાર, આસો નવરાત્રી દરમિયાન રોપ-વે સેવા તિથિઓ મુજબ વહેલી સવારે જ શરૂ કરી દેવામાં આવશે. તહેવારના ખાસ દિવસો જેવા કે એકમ, ત્રીજ, સાતમ, અષ્ટમી, નોમ, ચૌદસ અને પૂનમના પવિત્ર દિવસે સવારે 4:00 વાગ્યાથી જ રોપ-વે ચાલુ થઈ જશે. જ્યારે બીજ, ચોથ, પાંચમ, છઠ્ઠ, દશમ, અગિયારસ અને બારસના દિવસોમાં સવારે 5:00 વાગ્યાથી સેવા કાર્યરત કરવામાં આવશે.

રાત્રે પણ સમય લંબાવવા વિચારણા ચાલુ

સામાન્ય દિવસોમાં આ રોપ-વે રાત્રે 9:00 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. જોકે, ડુંગર પર ભક્તોનો ઘસારો વધુ હોય કે યાત્રિકોની લાંબી લાઈનો જોવા મળે તો તેમની સુવિધા અર્થે રાત્રે સંચાલનનો સમય લંબાવવામાં પણ આવી શકે છે. પાવાગઢ આવતી દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેથી વૃદ્ધો, બાળકો અને દૂર-દૂરથી આવતા માઇભક્તો સરળતાથી માં મહાકાળીના દર્શન કરી શકે.