આસો નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ ખાતે ભક્તોનો મહાસાગર: 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મહાકાળીના દર્શને પહોંચ્યા

આસો નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનો મહાસાગર ઉમટ્યો. ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 11 Oct 2026 02:45 PM (IST)Updated: Sun, 11 Oct 2026 02:45 PM (IST)
pavagadh-navratri-over-1-lakh-devotees-visit-mahakali-temple

Navratri 2026: આજથી પવિત્ર આસો નવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ ચૂકી છે. નવરાત્રીના પ્રથમ નોરતે જ પંચમહાલ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માઈભક્તોનો અદ્ભુત ઉત્સાહ અને ભારે જનમેદની જોવા મળી હતી. જગતજનની માં મહાકાળીના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડુંગર પર ઉમટી પડ્યા હતા.

1 લાખથી વધુ ભક્તોએ કર્યા માતાજીના દર્શન

પ્રથમ દિવસે જ 1 લાખથી વધુ ભક્તોએ માં શક્તિના શરણે શીશ નમાવવા પહોંચ્યા છે. સવારના સુમારે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સમગ્ર પાવાગઢ પરિસર "જય માતાજી" અને "જય મહાકાળી"ના ગગનભેદી નાદથી ગુંજી ઊઠ્યું હતું. નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની આરાધનાનું વિશેષ મહત્વ હોવાથી દૂર-દૂરના વિસ્તારોમાંથી ભક્તો પગપાળા તેમજ વિવિધ વાહનો મારફતે માંના દર્શનાર્થે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ માં મહાકાળીના ચરણોમાં નમન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

ભક્તો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ

આસો નોરતાના આરંભ સાથે જ પાવાગઢ ખાતે સર્જાયેલા આ ધાર્મિક માહોલે સંસ્કૃતિ અને આસ્થાનો અનોખો સંગમ રચ્યો છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુઓના ઘોડાપૂરને કારણે સમગ્ર પંચમહાલ પંથકમાં એક વિશિષ્ટ અને પવિત્ર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.