Pavagadh Navratri 2026: પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 11 થી 20 ઓક્ટોબર દરમિયાન આસો નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસો દરમિયાન માતાજીના દર્શનાર્થે આવતા લાખો ભક્તોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સુવિધા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.
પાવાગઢ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આ પણ વાંચો
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારુ રાખવા માટે નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલે જણાવ્યું કે, 1300થી વધુ પોલીસ જવાનો અને SDRFની ખાસ ટીમ ખડેપગે રહેશે. મહોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પર સતત નજર રાખવા માટે 60 નાયબ મામલતદારો ચાર મુખ્ય સ્થળો પર 24 કલાક ફરજ બજાવશે. સમગ્ર આયોજનનું સંકલન કરવા માટે ત્રણ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.
એસ.ટી બસોની વિશેષ વ્યવસ્થા
યાત્રાળુઓની આવ-જા સરળ અને સુગમ બને તે માટે વાહનવ્યવહારની વિશેષ ગોઠવણ કરવામાં આવી છે. તળેટીથી માચી સુધી દરરોજ 60 એસ.ટી. બસો દોડાવવામાં આવશે. જ્યારે આસો નવરાત્રીના મુખ્ય દિવસો ગણાતા આઠમ અને નોમના રોજ ભક્તોનો ઘોડાપૂર પ્રવાહ ધ્યાને રાખી 15 વધારાની બસો ઉમેરીને એકંદર 75 બસોની સેવા પૂરી પાડવામાં આવશે.
શ્રદ્ધાળુઓને પીવાના પાણીની સુવિધા
આરોગ્ય અને સ્વચ્છતાની બાબતમાં પણ તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. કોઈપણ તબીબી કટોકટીને પહોંચી વળવા માટે 60 સભ્યોની મેડિકલ ટીમ 24 કલાક સેવા માટે સજ્જ રહેશે. દરરોજ અંદાજે એક લાખ જેટલા શ્રદ્ધાળુઓને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ડુંગર પર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે 230 સફાઈ કર્મચારીઓ તૈનાત રહેશે.
રાત્રિના સમયે શ્રદ્ધાળુઓને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે પૂરતી લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી તંત્રએ પાવાગઢ આવતા તમામ ભક્તોને ધાર્મિક સ્થળની પવિત્રતા જાળવવા માટે પ્લાસ્ટિક, ગંદકી અને પાન-મસાલાના પડીકાંનો ઉપયોગ ન કરવા અને તંત્રને પૂર્ણ સહયોગ આપવા નમ્ર અપીલ કરી છે.
-1791695863602_m.webp)