"સ્વચ્છ પાવાગઢ, સુંદર પાવાગઢ": મા કાલીના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે ફોરેસ્ટ વિભાગની ખાસ અપીલ

નવરાત્રી દરમિયાન પાવાગઢ યાત્રાધામની પવિત્રતા જાળવવા હાલોલ ફોરેસ્ટ વિભાગે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છે. વિભાગે દુકાનદારો અને યાત્રાળુઓને કચરો ન ફેંકવા અને પર્યાવરણ સુરક્ષામાં સહયોગ આપવા અપીલ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 14 Oct 2026 10:08 AM (IST)Updated: Wed, 14 Oct 2026 10:08 AM (IST)
pavagadh-navratri-2026-forest-depts-cleanliness-drive-appeal

Pavagadh Navratri 2026: આદ્યાશક્તિની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મા કાલીના દર્શનાર્થે સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન યાત્રાધામની પવિત્રતા અને પ્રાકૃતિક સુંદરતા જળવાઈ રહે તે હેતુથી હાલોલ ફોરેસ્ટ વિભાગ સક્રિય બન્યો છે. જંગલ સંપદા અને પર્યાવરણના જતન માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા માચીથી લઈને ઉપર પાવાગઢ મંદિર સુધીના સમગ્ર માર્ગ પર વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ફોરેસ્ટ વિભાગે દુકાનદારોને આપી સૂચના

હાલોલ ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. ચંદ્રિકાબેન ચૌધરી અને તેમની નિષ્ઠાવાન ટીમ દ્વારા પાવાગઢ આવતા તમામ શ્રદ્ધાળુઓ તથા સ્થાનિક દુકાનદારોને માર્ગમાં કે જંગલ વિસ્તારમાં કચરો ન ફેંકવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. માર્ગ પર આવેલી તમામ નાની-મોટી દુકાનોના સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે, તેઓ પોતાની દુકાનનો કચરો રસ્તા પર કે ખુલ્લા જંગલમાં નાખવાને બદલે તેનો યોગ્ય નિકાલ કરે. રાજ્ય સરકારના ‘સ્વચ્છતા અભિયાન’ને સફળ બનાવવા માટે કચરો એકત્ર કરવા ખાસ નિયુક્ત કરાયેલા સફાઈ કર્મચારીઓને જ કચરો સોંપવા માટે તાકીદ કરવામાં આવી છે.

માઈભક્તોને સહયોગ આપવા અપીલ

અભયારણ્ય અને જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની ખાલી બોટલો તેમજ ખાદ્ય પદાર્થોના પ્લાસ્ટિક પેકિંગ નાખવાથી સ્થાનિક પર્યાવરણ અને વન્યજીવોને ગંભીર નુકસાન પહોંચે છે. આ પરિસ્થિતિને અટકાવવા માટે દરેક શ્રદ્ધાળુ અને વેપારી સ્વચ્છતા જાળવવામાં પોતાનો સક્રિય સહયોગ આપે તે અત્યંત જરૂરી છે.

ફોરેસ્ટ વિભાગે નવરાત્રી દરમિયાન પાવાગઢની મુલાકાતે આવતા દરેક પદયાત્રી અને શ્રદ્ધાળુને આ મહાયજ્ઞમાં સહભાગી બનવા આહ્વાન કર્યું છે. "સ્વચ્છ પાવાગઢ, સુંદર પાવાગઢ" ના મંત્ર સાથે યાત્રાધામની પ્રાકૃતિક સુંદરતા અને પવિત્રતા જાળવવી એ માત્ર સરકાર કે વિભાગની જ નહીં, પરંતુ આપણા સૌની નૈતિક જવાબદારી છે.