Panchmahal News: ગુજરાતમાં શક્તિ ઉપાસનાના સુપ્રસિદ્ધ કેન્દ્ર અને લાખો ભક્તોની આસ્થાના પ્રતીક સમાન યાત્રાધામ પાવાગઢ ખાતે એક અભૂતપૂર્વ આધ્યાત્મિક સિદ્ધિ નોંધાઈ છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત 'નવાર્ણ મંત્ર મહાયજ્ઞ'માં 90 હજાર શ્રદ્ધાળુઓએ એક સાથે જોડાઈને નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જેણે વૈશ્વિક સ્તરે ગુજરાતની આધ્યાત્મિક ગરિમામાં વધારો કર્યો છે.
90,904 ભક્તો અને 24 કરોડ મંત્રોચ્ચાર
આ ભવ્ય આધ્યાત્મિક અનુષ્ઠાનમાં દેશ-વિદેશના ખૂણેખૂણેથી કુલ 90,904 જેટલા ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આ મહાયજ્ઞની સૌથી મોટી વિશેષતા એ રહી કે, સતત 76 દિવસ સુધી શ્રદ્ધાળુઓએ પવિત્ર મંત્ર 'ૐ એં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે' નો અવિરત જાપ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન કુલ 24 કરોડ મંત્રોના જાપ પૂર્ણ થયા, જે શક્તિ ઉપાસનાના ઇતિહાસમાં એક વિરલ અને અદ્વિતીય ઘટના ગણાય છે.
'ભારત વિશ્વ રેકોર્ડ' દ્વારા સત્તાવાર માન્યતા
પાવાગઢની ધરા પર 24 કરોડ મંત્રોચ્ચાર સાથે ગુંજી ઉઠેલી આ ઐતિહાસિક ક્ષણને 'ભારત વિશ્વ રેકોર્ડ' દ્વારા સત્તાવાર માન્યતા આપી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. ગત 15 એપ્રિલના રોજ આ અદભુત સિદ્ધિને સત્તાવાર રીતે વિશ્વ રેકોર્ડ તરીકે જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પાવાગઢ શક્તિપીઠમાં આસ્થાનું ઘોડાપૂર: ચૈત્રી આઠમે લાખો માઈભક્તોના નાદથી ગુંજી ઉઠ્યું મહાકાળી ધામ
શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંદેશ
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ (શક્તિપીઠ) દ્વારા આયોજિત આ મહાયજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ જીવનમાંથી ભય, દુઃખ અને નકારાત્મકતા દૂર કરી વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપવાનો હતો. યજ્ઞમાં આહુતિ આપીને હજારો ભક્તોએ જે સકારાત્મક ઉર્જાનું સર્જન કર્યું, તેણે સમગ્ર પાવાગઢ પર્વત પર એક ભક્તિમય વાતાવરણ ઊભું કરી દીધું હતું.
ભવ્ય આયોજન અને એકતાના દર્શન
આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટના અધ્યક્ષ, સભ્યો અને અસંખ્ય સેવાભાવી કાર્યકરોએ દિવસ-રાત ભારે જહેમત ઉઠાવી હતી. આ મહાયજ્ઞ માત્ર એક ધાર્મિક વિધિ બનીને ન રહેતા, સામાજિક એકતા અને આધ્યાત્મિક જાગૃતિનું એક જીવંત ઉદાહરણ સાબિત થયો છે. પાવાગઢના ઇતિહાસમાં આ ઘટના ચોક્કસપણે સુવર્ણ અક્ષરે લખાશે.
