પાવાગઢ ખાતે રવિવાર અને પૂનમનો પવિત્ર સંયોગ: મા મહાકાળીના દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું

પાવાગઢ ખાતે રવિવાર અને પૂનમની તિથિના સંયોગે માં મહાકાળીના દર્શનાર્થે માઇભક્તોનું કીડીયારું ઉભરાયું. સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, સોમવારે પણ પૂનમનો માહોલ રહેશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 25 Oct 2026 03:31 PM (IST)Updated: Sun, 25 Oct 2026 03:31 PM (IST)
pavagadh-mahakali-temple-sunday-poonam-crowd-devotees-visit-holy-place

Pavagadh Mahakali Temple: પંચમહાલ જિલ્લામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ભક્તિ અને આસ્થાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. રવિવારની રજા અને સાથે પૂનમની પવિત્ર તિથિનો શુભ સંયોગ રચાયો હોવાથી વહેલી સવારથી જ મા મહાકાળીના ચરણોમાં શીશ નમાવવા માટે માઇભક્તોનું વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ભક્તોના કીડીયારાથી આખું પાવાગઢ ધામ ‘જય માતાજી’ અને ‘જય મહાકાળી’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

પાવાગઢ મંદિરે ભક્તો દર્શન માટે ઉમટ્યા

સવારે મંદિરના કપાટ ખુલતાની સાથે જ યાત્રિકો દર્શન માટે દોડી ગયા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહીને મંગળા આરતીનો ભક્તિભાવપૂર્વક લહાવો લીધો હતો. ભક્તોએ મા શક્તિના દર્શન કરી પોતાના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ આજે રજા અને તિથિના કારણે યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. માણેક ચોકથી લઈને મંદિરના મુખ્ય દ્વાર સુધીનો સમગ્ર દર્શન માર્ગ દિવસભર ભક્તોની ચહલપહલથી સતત ધમધમતો રહ્યો હતો.

ભક્તોની ભીડને ધ્યાને રાખીને ચુસ્ત બંદોબસ્ત

યાત્રિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત પગલાં લેવામાં આવ્યા છે. દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શન કરી શકે તે માટે સિક્યોરિટી ગાર્ડ્સ અને પોલીસ જવાનો દ્વારા ભીડનું યોગ્ય નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. પાર્કિંગ, રોપ-વે તેમજ દર્શન લાઈનો પર વિશેષ નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.

પાવાગઢમાં ભક્તિના ઉસ્તવ જેવો માહોલ

તિથિના ગણિત મુજબ આવતીકાલે પણ પૂનમની તિથિ લંબાઈ રહેતી હોવાથી સોમવારે પણ પાવાગઢમાં માઇભક્તોનો આવો જ ભારે જમાવડો રહેવાની પૂરતી શક્યતા છે. આમ, સતત બે દિવસ સુધી પાવાગઢ પર્વત પર ભક્તિમય અને આસ્થાથી સભર ઉત્સવ જેવો માહોલ જળવાઈ રહેશે.