પાવાગઢમાં મા મહાકાળીના ચરણોમાં શ્રદ્ધાનું ઘોડાપૂર: નવરાત્રિથી અત્યાર સુધી 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધા આશીર્વાદ

પાવાગઢ મા મહાકાળીના દર્શનાર્થે આસો નવરાત્રિના સાતમા નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. નવરાત્રિમાં અત્યાર સુધી 8 લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યા, જેમાં એક દિવ્યાંગ ભક્તની અનન્ય આસ્થા આકર્ષણનું કેન્દ્ર બની.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 17 Oct 2026 03:04 PM (IST)Updated: Sat, 17 Oct 2026 03:04 PM (IST)
pavagadh-mahakali-temple-navratri-8-lakh-devotees-satmo-noro-divyang-bhakt

Pavagadh Navratri 2026: પંચમહાલ જિલ્લાના જગપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિનો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના પ્રારંભથી લઈને સાતમા નોરતા સુધીમાં અત્યાર સુધીમાં 8 લાખથી પણ વધુ માઈભક્તો મા મહાકાળીના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવી ચૂક્યા છે.

ભક્તોએ લગાવ્યો માતાજીનો જયજયકાર

સાતમા નોરતે વહેલી સવારે 5:00 કલાકે જેવાં જ મા મહાકાળી મંદિરના નિજ દ્વાર દર્શન માટે ખોલવામાં આવ્યા, તે સાથે જ સમગ્ર ડુંગર "જય માતાજી" અને "જય મહાકાળી"ના નાદથી ગુંજી ઊઠ્યો હતો. વહેલી સવારથી જ રોપ-વે તેમજ પગથિયાં વાળા માર્ગો પર ભક્તોની ભારે અવરજવર શરૂ થઈ ગઈ હતી. માતાજીના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી. ભારે ભીડ અને ગરમી હોવા છતાં ભક્તોએ અત્યંત ધૈર્ય અને ઉત્સાહપૂર્વક પોતાની વારીની રાહ જોઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્યાંગ ભક્તની અવિચળ આસ્થા બની આકર્ષણનું કેન્દ્ર

સાતમા નોરતે પાવાગઢ પહોંચેલા લાખો ભક્તો વચ્ચે એક શારીરિક રીતે દિવ્યાંગ ભક્તની માહાલક્ષ્મી અને મા મહાકાળી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. પગથિયાં ચઢવામાં અત્યંત મુશ્કેલી હોવા છતાં, તેઓ હિંમત હાર્યા વિના બેઠા-બેઠા એક-એક પગથિયું સરકાવીને માતાજીના ધામ તરફ આગળ વધી રહ્યા હતા. શારીરિક અક્ષમતા પણ જેમના બુલંદ વિલ-પાવર અને આસ્થા સામે નાની સાબિત થઈ હતી. તેમની આ નિઃસ્વાર્થ ભક્તિ જોઈને ત્યાં ઉપસ્થિત અન્ય ભક્તોની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને સૌ કોઈ માટે આ દિવ્યાંગ ભક્ત પ્રેરણાસ્રોત બન્યા હતા.

સમગ્ર યાત્રાધામ ભક્તિમય માહોલમાં રંગાયું

પાવાગઢ ખાતે બિરાજમાન મા મહાકાળી પ્રત્યે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ-વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓની અખંડ આસ્થા જોડાયેલી છે. નવરાત્રિના દરેક દિવસે અહીં જનમેદની ઉમટી રહી છે. સાતમા નોરતે પણ અવિરતપણે વહેતી ભક્તોની મહેરામણથી સમગ્ર પાવાગઢ ધામ ભક્તિરસમાં લિન થઈ ગયું હતું. માના આશીર્વાદ મેળવી શ્રદ્ધાળુઓએ પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.