પાવાગઢમાં નવરાત્રિ પર્વ વચ્ચે દુર્ઘટના: માલવાહક રોપ-વેનો કેબલ તૂટતાં ટ્રોલી નીચે પટકાઈ, સદનસીબે જાનહાની ટળી

કેબલ વાયર તૂટવાના કારણે સામાનથી ભરેલી ટ્રોલી સીધી જમીન પર પટકાઈ હતી, જેમાં ટ્રોલી અને સામાનને નુકસાન થયું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 15 Oct 2026 01:56 PM (IST)Updated: Thu, 15 Oct 2026 01:56 PM (IST)
pavagadh-goods-ropeway-cable-breaks-trolley-falls-during-navratri-2026

Pavagadh Ropeway Accident: પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે હાલ પવિત્ર આસો નવરાત્રિ દરમિયાન માં જગદંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. ભક્તોની ભીડ વચ્ચે પાવાગઢ ડુંગર પર માલસામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા ગુડ્સ રોપ-વેનો કેબલ અચાનક તૂટી પડ્યો હતો. કેબલ વાયર તૂટવાના કારણે સામાનથી ભરેલી ટ્રોલી સીધી જમીન પર પટકાઈ હતી.

સદનસીબે, આ ઘટના માલવાહકરોપ-વેમાં બની હોવાથી અને તે સમયે તેની આસપાસ કોઈ શ્રદ્ધાળુઓ હાજર ન હોવાથી મોટી હોનારત અટકી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, ટ્રોલી જમીનદોસ્ત થતાં તેમાં રહેલા માલસામાન તથા ટ્રોલીના માળખાને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ રોપ-વેનું સંચાલન 'ઉષા બ્રેકો' કંપની દ્વારા કરવામાં આવે છે. અકસ્માત સર્જાતા જ ધાંધલ-ધમાલનો માહોલ સર્જાયો હતો અને સંચાલકો તેમજ સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. હાલમાં આ દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે ઘટી કે કોઈ અન્ય કારણોસર, તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

ટઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન પણ પાવાગઢના માલવાહક રોપ-વેમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તે કરૂણ ઘટના બાદ સુરક્ષાના દાવા સાથે જાળવણી અને સંચાલનની જવાબદારી 'ઉષા બ્રેકો' કંપનીને સુપ્રત કરવામાં આવી હતી.

પરંતુ, નવરાત્રીમાં લાખો યાત્રાળુઓની હાજરી ધરાવતા સમયગાળામાં જ ફરી વાર બનેલી આ ઘટનાએ રોપ-વેની સુરક્ષા, ટેકનિકલ ચકાસણી અને નિયમિત જાળવણી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. નવરાત્રીમાં રોજ હજારો ભક્તો પેસેન્જર રોપ-વેનો ઉપયોગ કરતા હોય, ત્યારે તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાય અને ભવિષ્યમાં કોઈ ઘટના ન સર્જાય તે માટે નક્કર સુરક્ષા આયોજન કરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓ માંગ કરી રહ્યા છે.