Panchmahal News: હાલોલ તાલુકાના આંબાતળાવ ગામમાં આજે એક કરુણ ઘટના બની હતી. ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં કપડાં ધોવા ગયેલી ભાભીનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયા હતા. તેમને બચાવવા માટે દિયર પણ કૂદ્યો હતો. પરંતુ કમનસીબે બંનેના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, આંબાતળાવ ગામે નિશાળ ફળિયામાં રહેતા ગીતાબેન રાયજીભાઈ સોલંકી (ઉં.વ. 39) ગઇકાલે ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં કપડાં ધોવા ગયા હતા. કપડાં ધોતી વખતે તેમનો પગ લપસી જતાં તેઓ કેનાલના વહેતા પાણીમાં પડી ગયા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.
આ પણ વાંચો
આ દરમિયાન ગીતાબેનના દિયર વિજયભાઈ રમણભાઈ સોલંકી (ઉં.વ. 32) પણ દોડી આવ્યા હતા. ભાભીને ડૂબતા જોઈને તેઓ તરતા આવડતું ન હોવા છતાં તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ તેઓ પણ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આખરે બંનેના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.
ઘટનાની જાણ થતાં હાલોલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલોલ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી આંબાતળાવ ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
