Panchmahal: ગોધરા શહેરમાં બે દિવસ પહેલાં થયેલી ગંભીર ઘટનાએ સમગ્ર પંચમહાલ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો કર્યો હતો. 19 સપ્ટેમ્બરે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બોલાવ્યા બાદ પરિસ્થિતિ તંગ બની હતી. એક ચોક્કસ સમુદાયના 400થી વધુ લોકોના ટોળાએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. આ સાથે જ પોલીસ ચોકી નંબર 4માં ઘૂસી તોડફોડ કરી હતી અને ફર્નિચરને આગ લગાડી દીધી હતી. આ આગમાં સરકારી દસ્તાવેજો પણ બળી ગયા હતા. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ગંભીર બની હતી.
આ બનાવ બાદ પંચમહાલ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. આ મામલે કુલ 88 લોકો સામે ગુનો નોંધાયો હતો. પોલીસે તરત જ 17 આરોપીઓને ઝડપ્યા અને બાદમાં વધુ 4ને પકડી પાડતા કુલ 21 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
કાયદાને હાથમાં લેવાનો પ્રયત્ન કરનારાને કડક સંદેશો આપવા માટે પંચમહાલ પોલીસ પ્રશાસને એક અનોખું પગલું ભર્યું. જેમાં ધરપકડ કરાયેલા તમામ 21 આરોપીઓને હાથમાં દોરડા બાંધીને ગોધરા તાલુકા પોલીસ મથકથી સરઘસ કાઢવામાં આવ્યું. આ સરઘસને મોટી સંખ્યામાં નાગરિકોએ જોયું અને પોલીસની આ કાર્યવાહીનું સમર્થન કરતા હોય તેમ લાગ્યું. પોલીસનું માનવું છે કે, આવી કડક કાર્યવાહી ભવિષ્યમાં અશાંતિ પેદા કરવાની હિંમત કરનારાઓને ચેતવણીરૂપ સાબિત થશે.
જણાવી દઈએ કે, નવરાત્રિ નજીક આવી રહી છે, ત્યારે પોલીસ દ્વારા એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ચેતવણી આપવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. જો કે તે ઈન્ફ્લુએન્સરે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકી દીધો હતો. જેના કારણે લોકોમાં ગેરસમજ ઉભી થઈ હતી. આથી એક સમુદાયના લોકોએ ટોળે વળી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ સમયે પરિસ્થિતિ તંગ બનતા પોલીસે તોફાની ટોળાને વિખેરવા માટે હળવો લાઠી ચાર્જ પણ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં રેન્જ IG અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં હેઠળ આવી હતી. આ ઘટના બાદ પોલીસ દ્વારા ગોધરા શહેરમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પંચમહાલ પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ બનાવે ફરી સાબિત કર્યું છે કે, કાયદાને હાથમાં લેવાનો પ્રયત્ન કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં અને કડક પગલાં લેવાશે.
