Panchmahal News: પંચમહાલ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બન્ને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને પાવાગઢ મંદિર ટ્રસ્ટે વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માગ કરી હતી.
જૈન અગ્રણીઓનું કહેવું છે કે, મહાકાળી મંદિર ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીઓ અને વહીવટદારોનું આ ભયંકર દુષ્કૃત્ય છે. મંદિરના વિકાસના નામે પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરીને, ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. આવું કૃત્ય કરનારા ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ.
જૈન અગ્રણીઓએ કહ્યું હતું કે, આવેદનપત્ર આપ્યા બાદ પણ જેનો ડર હતો તે થયું. હજારો વર્ષોથી જ્યાં જૈનો પૂજા કરતા આવ્યા છે તે મૂર્તિઓને કોઈ કેવી રીતે તોડી શકે? આજે વડોદરાના જૈન અગ્રણીઓ કલેક્ટરને આવેદનપત્ર આપશે. જે બાદ આ મામલો હાઇકોર્ટમાં લઈ જવાશે. જ્યાં સુધી મૂર્તિઓ પુનઃ સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. દરેક શહેરમાં જૈનચાર્યો કલેક્ટરને મળીને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરશે.