Panchmahal: આવતીકાલથી શરૂ થઇ રહેલ આસો નવરાત્રિ દરમિયાન પંચમહાલ જિલ્લામાં આવેલ શક્તિપીઠ એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. નવરાત્રી દરમિયાન ગુજરાત ઉપરાંત આસપાસના અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં માઇ ભક્તોનું ઘોડાપુર મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવવા ઉમટી પડતું હોય છે. જેને લઈને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
આ અંગે વિગતો આપતા પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમારે જણાવ્યું કે, નવરાત્રિ દરમિયાન માઇ ભક્તોનો ધસારો વહેલી સવારે વધારે રહેતો હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ રોપ-વે સંચાલકો સાથે સંકલન કરી પહેલા નોરતે અને આઠમ તેમજ દસમા નોરતે રોપ-વે સેવા સવારે 4 વાગ્યે શરૂ કરી દેવામાં સૂચના આપવામાં આવી છે.
આ સાથે તાલુકા વહીવટી તંત્રને પણ કોઈ પ્રકારની લાઇટિંગની સમસ્યા ઉભીના થાય તે અંગે પણ સૂચના આપવામાં આવી છે. માઇભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન અર્થે આવતા હોય ટ્રાફિકની સમસ્યા ન ઉદ્દભવે તે ધ્યાને રાખતા તળેટીથી માચી સુધી તમામ ખાનગી વાહનો ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર એસટી બસ મારફતે જ માચી સુધી જવા દેવામાં આવશે. જયારે એસટી વિભાગ દ્વારા પણ નવરાત્રી દરમિયાન એસટી બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે
બીજી તરફ નવરાત્રી પૂર્વે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તા. 3 થી 17 મી ઓક્ટોબર સુધી માતાજીના દર્શન માટે ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે પહેલા નોરતે અને આઠમના આઠમા નોરતે તેમજ પૂનમના રોજ જગતજનની મહાકાળી માતાજીના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આ ત્રણે દિવસે મંદિરના નિજ દ્વાર સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રીના 8 કલાક સુધી માઇ ભક્તો દર્શનનો લ્હાવો લઇ શકશે. જ્યારે નવરાત્રીના અન્ય દિવસો દરમ્યાન મંદિરના દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રીના 8 કલાક સુધી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.
