Panchmahal: પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આઠમ નિમિતે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પાવાગઢના ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોવાથી આસો સુદ નવરાત્રિના આઠમા નોરતે દેશના ખૂણે ખૂણેથી લાખો માઇભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
ગત મોડી રાત્રીથી જ હજારો ભક્તોએ ડુંગર પર રાતવાસો કરી માતાજીના દર્શન માટે લાઇનોમાં સ્થાન મેળવ્યું હતું. આજ સવારના ચાર વાગ્યે નિજ મંદિરમાં કપાટ ખુલતા આરતી સાથે દિવસની શરૂઆત કરવામાં આવી. માતાજીના જયકારોથી સમગ્ર પાવાગઢ ગુંજતુ બન્યું હતું. માઇભક્તોએ વહેલી સવારે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Surat: ઓલપાડમાં બેકાબુ કાર પાણી ભરેલા કાંસમાં ખાબકી, ડૂબી જવાથી અંદર બેઠેલા કતારગામના બે યુવકોના મોત
શક્તિપીઠ પાવાગઢ ખાતે નવરાત્રીના પર્વ દરમિયાન ખાસ કરીને આઠમા નોરતે અત્યંત વિશેષ પૂજા-અર્ચના અને દર્શનનો માહાત્મ્ય રહેલો હોવાથી ભક્તોનો ઉત્સાહ અદભૂત જોવા મળ્યો હતો. અનેક ભક્તો પોતાના પરિવાર સાથે પાવાગઢના પગથિયાં ચઢતાં માતાજીના ભજનો ગાતાં જોવા મળ્યા હતા.
ભક્તોની વધતી સંખ્યાને ધ્યાને રાખીને મંદિર પ્રશાસન, સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગે ખાસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ભીડ નિયંત્રણ માટે સિક્યુરિટી સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી. માચીથી ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેથી ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય. ભક્તોને સરળતાથી ડુંગર પર પહોંચાડવા માટે આશરે 50 જેટલી એસટી બસોની સુવિધા પણ ગોઠવવામાં આવી હતી.
નવરાત્રીના પર્વ દરમિયાન પાવાગઢ યાત્રાધામ પર રોજે રોજ લાખો શ્રદ્ધાળુઓ પહોંચે છે, પરંતુ આઠમ નિમિતે ખાસ કરીને ભક્તોની ભીડ કીડિયારું સર્જે છે. આજે પણ એજ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં માતાજીના દર્શન માટે માઇભક્તો લાંબી કતારમાં ઉભા રહી આશીર્વાદ લઈ રહ્યાં હતા. ભક્તોની ભક્તિભાવના અને ઉત્સાહને કારણે સમગ્ર પાવાગઢ વિસ્તાર એક આધ્યાત્મિક માહોલથી ગુંજી ઉઠ્યો હતો.
