Panchmahal: આજથી બે દિવસ બાદ આસો નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ 10 દિવસ દરમિયાન પંચમહાલ જિલ્લામાં આવેલ જગવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાના દર્શનનો વિશેષ મહિમા છે. એવામાં નવરાત્રી પૂર્વે આજે વહેલી સવારથી યાત્રાધામ પાવાગઢ ખાતે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા પહોંચતા મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
નવરાત્રીના 10 દિવસ દરમિયાન ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે. જેથી ભક્તોનું સુવિધા ખાતર બસોની સંખ્યા પણ વધારવામાં આવી છે.
આ સાથે જ નવરાત્રી દરમિયાન માઈભક્તોને કોઈ અગવડ ના પડે તે માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 3 થી 17 ઓક્ટોબર સુધી માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પહેલા નોરતે, આઠમના દિવસે અને પૂનમના દિવસે જગતજનનની મહાકાળી માતાજીના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આ ત્રણ દિવસ મંદિરના નીજ દ્વાર સવારે 4 કલાકે ખુલશે અને રાતે 8 વાગ્યા સુધી માઈભક્તો દર્શનનો લ્હાવો લઈ શકશે.
જો કે નવરાત્રીના અન્ય દિવસો દરમિયાન મંદિરના નીજ દ્વારા સવારે 5 વાગ્યે ખુલશે અને રાતે 8 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. આ સાથે જ નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવા સાથે મેડિકલ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
