Panchmahal: જાંબુઘોડા પોલીસે દારૂ-બિયરનો જથ્થો લઈને જતી ટાટા સુમોનો પીછો કરતાં રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે ટાટા સુમોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી. જ્યાંથી સુમોનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યો હતો.
હકીકતમાં જાંબુઘોડા પોલીસ સ્ટેશનના PSI પી.આર. ચુડાસમાને બાતમી મળી હતી કે, વિદેશી દારુ અને બિયરનો જથ્થો લઈને આવતી ટાટા સુમો હાઈવે પરથી પસાર થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની ટાટા સુમો આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. જો કે પોલીસને જોઈને સુમોના ડ્રાઈવરે પોતાની ગાડી હંકારી મૂકી હતી. જેથી પોલીસે પણ ટાટા સુમોનો પીછો કરતા કરા ગામના રોડ પરના સિંગલ પટ્ટી રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
આ દરમિયાન ટાટા સુમો રોડની સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી. જ્યાં અંધારાનો લાભ લઈને સુમોનો ચાલક ખેતરોમાં ભાગી છૂટ્યો હતો. જ્યારે ખાડામાં ખાબકેલી સુમોની તલાસી લેતા તેમાંથી કિંગ ફિશર બિયરની 30 પેટી મળી આવી હતી. જેની અંદાજિત કિંમત 1.11 લાખ થવા જાય છે. આ સિવાય સુમો મળીને કુલ 2.11 લાખનો મુદ્દામાલ કબજે કરીને ભાગી છૂટેલા ડ્રાઈવર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
