Panchmahal: જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામ પાસે નેશનલ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ સાઈડના ખાડામાંથી બેદરકારીપૂર્વક અચાનક હાઈવે પર ચઢી આવેલા જેસીબીના ચાલકે બાઈક સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વન વિભાગના નિવૃત સીનિયર ક્લાર્કનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેના કારણે રાઠવા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, બોડેલી શહેરની શાંતા નગર સોસાયટીમાં રહેતા 61 વર્ષીય હિંમતભાઈ ખમાનભાઈ રાઠવા, જેઓ વન વિભાગમાં સીનિયર ક્લાર્ક તરીકે સેવા આપી નિવૃત થયા હતા, તેઓ રવિવારે સાંજે પોતાની મોટરસાયકલ લઈને જાંબુઘોડા તાલુકાના કાળીયાવાવ ગામે પોતાની સાસરીમાં દૂધ લેવા માટે ગયા હતા. સાસરીમાં દૂધ લઈને તેઓ પરત બોડેલી જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં કાળમુખું જેસીબી તેમનો કાળ બનીને આવ્યું હતું.
ઘટનાની વિગતો એવી છે કે, સાંજે પોણા છ વાગ્યાના અરસામાં હિંમતભાઈ ખાખરીયા ગામની ધનલક્ષ્મી રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે હાઈવેની સાઈડમાં કામ કરી રહેલા એક જેસીબીના ચાલકે આજુબાજુના ટ્રાફિકની પરવા કર્યા વિના અચાનક જ પોતાનું વાહન રોડ પર ચઢાવી દીધું હતું. ગફલતભરી રીતે રોડ પર આવેલા જેસીબીનું લોખંડનું ભારેખમ બકેટ સીધું હિંમતભાઈની બાઈક સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે હિંમતભાઈને છાતીના ભાગે ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયા હતા.
અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા. લોકોની ભીડ જામતી જોઈ જેસીબી ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હિંમતભાઈને તાત્કાલિક જાંબુઘોડાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી બોડેલીની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ કાર્યવાહી અને તપાસ
આ ઘટના અંગે મૃતકના ભત્રીજા વિક્રમભાઈ રાઠવાએ જાંબુઘોડા પોલીસ મથકમાં અજાણ્યા જેસીબી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ગુનામાં આઈપીસી (IPC) અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ સબ ઈન્સપેક્ટર ચુડાસમા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે અને ફરાર જેસીબી ચાલકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
