Panchmahal: પાવાગઢ રોડ પર માતાના પડખામાં સૂઈ રહેલા 5 માસના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો, યુવતી સહિત બેની ધરપકડ

હાલોલ GIDCમાં પનોરમા ચોકડી નજીક ઓરડીમાં પોલીસની ટીમે દરોડો પાડી બાળકને મુક્ત કરાવ્યું. ઓરડીમાં હાજર યુવતી અને તેની સાથે રહેલા પુરુષને પોલીસ મથકે લવાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 12 Jan 2026 10:10 AM (IST)Updated: Mon, 12 Jan 2026 10:10 AM (IST)
panchmahal-news-5-month-kinap-boy-found-police-held-kidnaper-at-halol
HIGHLIGHTS
  • પુત્રનું માતા સાથે મિલન થતાં પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
  • પોલીસને CCTV ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવામાં સફળતા

Panchmahal: પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢ રોડ પરથી માતાની પડખામાં સૂઈ રહેલા 5 માસના બાળકના અપહરણનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ મામલે પોલીસે યુવતી સહિત બે જણાની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, હાલોલ-પાવાગઢ રોડ પર આવેલા સાઈબાબા મંદિર નજીકના ફૂટપાથ પર આશાબેન દંતાણી નામની શ્રમજીવી મહિલા પોતાની પુત્રી અને 5 માસના બાળક સાથે રાતના સમયે સૂઈ રહી હતી. આ સમયે એક અજાણી મહિલા આશાબેનની પડખે સૂઈ રહેલા તેમના 5 માસના બાળકને ઉઠાવીને ફરાર થઈ ગઈ હતી. સવાર પડતા આશાબેનને બાળક ગુમ થયું હોવાની જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

આ ઘટનાની ગંભીરતાને જોતા પંચમહાલ જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. જિલ્લા એલસીબી, એસઓજી તેમજ હાલોલ ટાઉન અને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી હાલોલના નાયબ પોલીસ અધિક્ષક વિ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જે અંતર્ગત બનાવસ્થળ આસપાસ તેમજ વિવિધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ દરમિયાન એક મહિલા બાળકને ઉઠાવી લઈ જતી હોવાનો સીસીટીવી ફૂટેજ મળી આવ્યો હતો, જેને પોલીસે સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરી જનતાને માહિતી આપવા અપીલ કરી હતી.

આ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં પનોરામા ચોકડી પાસે આવેલી એક ઓરડીમાં એક મહિલા અને પુરુષ પાસે નાનું બાળક છે. આ આધારે પોલીસ ટીમે ત્યાં છાપો મારી જશોદાબેન વિક્રમભાઈ પરમાર અને સુરેશભાઈ મફતસિંહ પરમારની ઓરડીમાંથી અપહરણ થયેલ બાળકને શોધી કાઢ્યું હતું. આરોપીઓ બાળક અંગે કોઈ વાલીપણા સંબંધિત આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હોવાથી બંનેની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ મથકે લાવી બાળકને માતા આશાબેન સમક્ષ રજૂ કરતાં માતાએ બાળકની ઓળખ કરી હતી. જે બાદ બાળકને માતાને સોંપવામાં આવતા ભાવનાત્મક અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ દ્રશ્ય જોઈ હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

રવિવારે હાલોલ રૂરલ પોલીસ મથકે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર બનાવની માહિતી આપી હતી. આ સમયે આશાબેને રડતી આંખે અને કંપતા અવાજે પોલીસે સમયસર કાર્યવાહી કરી પોતાનું બાળક પરત અપાવ્યા બદલ સમગ્ર પોલીસ તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસને દેવદૂત સમાન ગણાવ્યા હતા.