પંચમહાલની દુઃખદ ઘટનાઃ ઘોઘંબાના ગજાપુરામાં ખાડામાં ડૂબી જતા 4 બાળકોના મોત, મૃતકોમાં બે બાળકો પરિવારના એકના એક સંતાન

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 26 Sep 2023 12:52 PM (IST)Updated: Tue, 26 Sep 2023 12:52 PM (IST)
panchmahal-news-4-children-drowned-in-pond-in-village-of-ghoghamba

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં આવેલા ગજાપુરામાં ખાડામાં ન્હાવા પડેલા 4 બાળકોના ડૂબી જવાથી મોત નીપજયાં છે. ચાર બાળકોના મોત નીપજતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. બનાવની જાણ થતાં પોલીસ અને તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત છે.

મળતી પ્રાથમિક વિગતો અનુસાર ગામના કેટલાક બાળકો ખાડામાં ન્હાવા ગયા હતા. જે દરમિયાન ચાર બાળકો ડૂબવા લાગ્યા હતા. બાળકોને ડૂબતા જોઇને સાથે આવેલા અન્ય બાળકો ગ્રામજનોને બાળકો ડૂબ્યા હોવાની જાણ કરી હતી. ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતક બાળકોની ઉમર 10થી 12 વર્ષની હોવાનું હાલ જાણવા મળ્યું છે. ચારેય બાળકોના મૃતદેહો સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનામાં સંજય વીરાભાઈ બારીયા, રાજુ રમેશભાઈ બારીયા(ઉ. 11 વર્ષ), પરસોત્તમ રાજુભાઈ બારીયા અને અંકિત અરવિંદભાઈ બારીયા(ઉ.11 વર્ષ) છે. જેમાં 10 વર્ષીય સંજય વીરાભાઈ બારીયા અને 9 વર્ષીય પરસોત્તમ રાજુભાઈ બારીયા પરિવારના એકનો એક જ સંતાન હતા.

ઘરના વ્હાલસોયા બાળકોના મૃતદેહો જોઇ પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. પરિવારજનોના આક્રંદથી સમગ્ર ગામનું વાતવારણ ગમગીન બની ગયું હતું. બનાવ અંગે જાણ થતાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

સમાચાર સતત અપડેટ થઇ રહ્યાં છે….

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.