Panchmahal Accident: પંચમહાલ જિલ્લાના કાલોલ પાસેના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપથી આવી રહેલા કાર ચાલકે સ્ટેયરિંગ પરથી અચાનક જ કાબૂ ગુમાવી દીધો હતો. જેથી કાર ડિવાઈડર કૂદાવીને બીજી તરફ ફેંકાઈ ગઈ હતી. ઘટના ખૂબ જ ભયાનક હતી. જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થઈ ગયા હતા. જ્યારે 1 વ્યક્તિ બચી ગયો હતો.
આ પણ વાંચો
કાર ડિવાઈડર કૂદાવીને ફંગોળાઈ
મળતી વિગતો અનુસાર, વડોદરાના રહીશ ખીનજી પરિવારના સભ્યો રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. રવિવારે પ્રવાસ પૂર્ણ કરી તેઓ પોતાની કારમાં વડોદરા પરત ફરી રહ્યા હતા. દરમિયાન, કાલોલ તાલુકાની સીમમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કારની ગતિ મર્યાદા કરતા વધુ હોવાથી ચાલકે અચાનક વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. બેકાબૂ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈને હવામાં ફંગોળાઈ હતી અને રોડની વિરુદ્ધ દિશામાં જઈને પટકાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ઘટનાસ્થળે પોલીસનો કાફલો પહોંચ્યો
દુર્ધટનાની જાણ થતા જ સ્થાનિકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળો પહોંચી ગયો હતો. જ્યાં સ્થાનિકો અને પોલીસે કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની શરુઆત કરી હતી. જેને પગલે પોલીસે તાત્કાલિક મૃતદેહોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી દેવાયા હતા. ઘટનાની જાણ થતા મૃતકોના પરિજનો હોસ્પિટલે પહોંચી ગયા હતા.
આ કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કમનસીબ સભ્યોની યાદી નીચે મુજબ છે:
• સાજિદ ઇકબાલ ખીનજી (ઉંમર 55 વર્ષ)
• ઇલિયાસ ઇકબાલ ખીનજી (ઉંમર 50 વર્ષ)
• ઇશાક ઇકબાલ ખીનજી (ઉંમર 48 વર્ષ)
• રેહાન અજગર ખીનજી (ઉંમર 35 વર્ષ)
પોલીસ તપાસ અને કાર્યવાહી
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. કાલોલ પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર માટે ખસેડાયા છે, જ્યારે મૃતકોના શબને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
એક જ પરિવારના ચાર-ચાર મોભીઓના અકાળે અવસાનના સમાચાર વડોદરા પહોંચતા જ સમગ્ર વિસ્તારમાં અને સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. કાલોલ પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક્સપ્રેસ વે પર વધતી જતી ઝડપ અને બેદરકારી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે.
