Panchmahal News: પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢ બાયપાસ નજીક વિશ્વામિત્રી કોતરમાંથી 32 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી છે. સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. મૃતકના માથાના ભાગે ઈજાના સ્પષ્ટ નિશાન જણાઈ આવતા મોતના કારણ અંગે સ્થાનિકોમાં વિવિધ ચર્ચાઓ અને તર્કવિતર્કો શરૂ થયા છે.
આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. વિશ્વામિત્રી કોતરની ભૌગોલિક સ્થિતિ અને ઊંડાણને કારણે મૃતદેહને બહાર કાઢવાની કામગીરી અત્યંત જોખમી અને મુશ્કેલ હતી. જોકે, પોલીસે સતત પ્રયાસ અને જહેમત બાદ મૃતદેહને કોતરમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
પ્રાથમિક તબક્કે માથામાં થયેલી ઈજાઓને ધ્યાનમાં રાખી પોલીસે તમામ સંભવિત પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ સુનિલકુમાર તરીકે થઈ છે અને તેઓ હાલોલની આમ્રપાલી-1 સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હોવાનું બહાર આવ્યું છે.
ઘરના આધારસ્તંભ સમાન 32 વર્ષીય યુવકના અકાળે અવસાનથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની ગંભીરતાને લક્ષ્યમાં રાખી પોલીસે મૃતદેહને તાત્કાલિક હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો, જ્યાં તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
હાલ પોલીસ દ્વારા મૃતક સુનિલકુમાર વિશ્વામિત્રી કોતર સુધી કયા સંજોગોમાં અને કેવી રીતે પહોંચ્યા, માથાના ભાગે ઈજાઓ કઈ રીતે થઈ અને આખરે મોતનું સાચું કારણ શું, તે દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. તબીબી પેનલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસના નિષ્કર્ષ બાદ જ આ સમગ્ર મામલે ચોક્કસ હકીકત સામે આવી શકશે.
