હાલોલમાં ગણેશ વિસર્જન બાદ ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરે વાનને 20 ફૂટ સુધી ઘસડી; 3 યુવતીઓ ઈજાગ્રસ્ત થઈ

હાલોલ-વડા તળાવ માર્ગ પર ગણેશ વિસર્જન બાદ પરત ફરી રહેલી યુવતીઓની વાનને ટ્રેક્ટરે ટક્કર મારી હતી. અકસ્માતમાં 3 યુવતીઓ ઈજાગ્રસ્ત થઈ હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 26 Sep 2026 03:11 PM (IST)Updated: Sat, 26 Sep 2026 03:11 PM (IST)
panchmahal-halol-ganesh-visarjan-accident-tractor-van-3-girls-injured

Panchmahal News: પંચમહાલ જિલ્લાના હાલોલ-વડા તળાવ માર્ગ પર શુક્રવારે ગણેશ વિસર્જનની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. વિસર્જન પૂર્ણ કરીને પરત ફરી રહેલી યુવતીઓની વાનને એક પૂરપાટ ઝડપે આવતા ટ્રેક્ટરે અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 3 યુવતીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે.

ગણેશ વિસર્જન બાદ દુર્ઘટના સર્જાઈ

મળતી વિગતો અનુસાર, હાલોલના અરાદ રોડ પર આવેલી શ્રીનાથજી સોસાયટીના ‘બીબીજી ગ્રુપ’ દ્વારા સ્થાપિત શ્રીજીની મૂર્તિનું વિસર્જન પૂરું કરીને યુવતીઓ વાનમાં બેસીને સોસાયટી તરફ પરત ફરી રહી હતી. આ દરમિયાન જેપુરાની મુવાડી પાસે હાલોલથી વડા તળાવ તરફ જઈ રહેલી અન્ય એક વિસર્જન યાત્રામાં સામેથી આવી રહેલા એક ટ્રેક્ટર ચાલકે આગળ જતાં બીજા ટ્રેક્ટરને સાઈડ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ ગફલતમાં ટ્રેક્ટર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા સામેથી આવતી યુવતીઓની વાન સાથે ધડાકાભેર ટક્કર મારી હતી.

ટ્રેક્ટર વાનને 20 ફૂટ ઘસડી ગયું

ટક્કર એટલી ભયાનક હતી કે, ટ્રેક્ટર આ વાનને આશરે 20 ફૂટ સુધી ઘસડી ગયું હતું. આ દ્રશ્ય જોઈને વિસર્જન યાત્રામાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તુરંત હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી જલ્પાબેન જગદીશભાઈ પરમારને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર બાદ વડોદરાની એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

3 યુવતીઓને ગંભીર ઈજાઓ પહોંચી

જ્યારે ભૂમિકાબેન પ્રવીણભાઈ બારીયાને માથા અને પગમાં ઈજા થતાં હાલોલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે, તથા અન્ય એક યુવતીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બનાવ અંગેની જાણ થતાં જ હાલોલ રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વિસર્જન માર્ગ પર સર્જાયેલી ટ્રાફિકજામની સમસ્યા ઉકેલી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ સાથે જ અકસ્માત સર્જીને નાસી છૂટવાનો પ્રયાસ કરનાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.