Panchmahal News: પંચમહાલ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વાવેતર અને હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરવા (હ) તાલુકાના વાંસદેલિયા ગામે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પોલીસે 42.500 કિલોગ્રામ વજનના 33 લીલા છોડ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 21.25 લાખ આંકવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, વાંસદેલિયા ગામના રાઠવા ફળિયામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાની સચોટ બાતમી પોલીસ તંત્રને મળી હતી. આ બાતમીના પગલે પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને મોરવા (હ) પોલીસની ટીમે સંકલન સાધીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
આ પણ વાંચો
સંયુક્ત ટીમે બાતમી મુજબના સ્થળે, એટલે કે આરોપીની કબજાભોગવટાની જમીન પર તપાસ હાથ ધરતાં ત્યાંથી ગાંજાના 33 જેટલા લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી કરીને તમામ છોડ જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા આ લીલા ગાંજાના છોડનું કુલ વજન 42.500 કિલોગ્રામ નોંધાયું હતું, જેની બજાર કિંમત રૂ. 21.25 લાખ જેટલી થવા જાય છે.
આ દરોડા દરમિયાન પોલીસે જમીન પર ગાંજાનું વાવેતર કરનાર અનોપસિંહ મથુરભાઈ રાઠવા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. આરોપી દ્વારા આ ગાંજાનું વાવેતર કેટલા સમયથી કરવામાં આવતું હતું, તેનો જથ્થો કોને પહોંચાડવામાં આવતો હતો અને આ ગેરકાયદે પ્રવૃત્તિમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ, તે સહિતના મુદ્દે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
