Dhanera News: બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમય રીતે મોત થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઇયાએ કાજુ કતરી બનાવી નાખી હતી. જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર વ્યક્તિ ગુસ્સે ભરાયો અને રસોઈયા સાથે મારપીટ કરી હતી.
લાડુના બદલે કાજુ કતરી બનાવી હતી
મળતી માહિતી પ્રમાણે ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિએ તેના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી રસોઈયાને મીઠાઈ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો. તેમાં લાડુ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને રસોઈયાએ કાજુ કતરી બનાવી દીધી હતી. ઓર્ડર આપનારને આ બાબતની જાણ થતાં તે ગુસ્સે થઇ ગયો હતો. અને રસોઈયા સાથે બોલાચાલી બાદ તેને રસોઇયાને ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો
રસોઇયા પર હુમલો કરવામાં આવ્યો
આ દરમિયાન રસોઈયો બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતદેહના પોસ્ટમોટર્મ બાદ મોડી રાત્રે પરિવારને તેનો મૃતદેહ આપવામાં આવ્યો હતો. જોકે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોટર્મનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.
પોલીસે તપાસ હાથ ધરી
રસોઈયાના પરિવારે આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને આક્ષેપ લગાવ્યા છે કે ભાવેશ મહેશ્વરી સાથે થયેલી ઝપાઝપીમાં રસોઈયાનું મોત થયું છે. જેથી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ધાનેરા પોલીસે ગુનો નોંધી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
