Vav-Tharad News: વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના ચાંગડા ગામે સ્થિત ધરણીધર ગૌશાળામાં દુઃખદ અને ચકચાર મચાવનાર ઘટના સામે આવી છે. ગૌશાળામાં 80થી વધુ ગાયોને લીલા ઘાસચારાની આડઅસર અથવા ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની આશંકા વચ્ચે એક સાથે 44 ગાયોના કરૂણ મોત નિપજ્યા છે.
પ્રાથમિક અનુમાન મુજબ, ગાયોએ મકાઈનો લીલો ઘાસચારો ખાધા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી. જે બાદ ફૂડ પોઈઝનિંગના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ગાયોના મોતનું ચોક્કસ કારણ પશુ ચિકિત્સકોના રિપોર્ટ અને વધુ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ ઘટનાની જાણ થતાં જ પશુ તબીબોની ટીમ અને ગૌપ્રેમીઓ તાત્કાલિક ગૌશાળા ખાતે દોડી આવ્યા હતા. પશુ ચિકિત્સા ટીમ દ્વારા હાથ ધરાયેલી ત્વરિત સમયસર સારવાર અને બચાવ કામગીરીના પગલે 35થી વધુ ગાયોના જીવ બચાવી લેવામાં આવ્યા છે.
ગૌશાળામાં એક સાથે મોટી સંખ્યામાં ગાયોના મોત થતાં ગૌશાળાના ટ્રસ્ટમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે, તેમજ પશુપાલકો અને ગૌપ્રેમીઓમાં ઊંડા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટના સ્થળે દોડી આવેલા ગૌપ્રેમીઓ દ્વારા તમામ મૃતક ગાયોની સન્માનપૂર્વક દફનવિધિ કરવામાં આવી હતી.
