દિયોદરમાં સાસરિયાંના ત્રાસથી કંટાળી શિક્ષિકાનો આપઘાત: પિયર પક્ષે લગાવ્યા ગંભીર આક્ષેપો, સાસુ-પતિ સામે ગુનો દાખલ

આ ગંભીર મામલે મૃતક શિક્ષિકાના ભાઈની ફરિયાદના આધારે દિયોદર પોલીસે દહેજ ઉત્પીડન અને આપઘાતની દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ મૃતકના પતિ અને સાસુ સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 02 Nov 2026 11:33 AM (IST)Updated: Mon, 02 Nov 2026 11:33 AM (IST)
diodar-private-school-teacher-suicide-dowry-harassment-husband-mother-in-law-booked
દિયોદર શિક્ષક આપઘાત કેસ

Diodar Teacher Suicide Case: બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાંથી સાસરિયાંના શારીરિક અને માનસિક ત્રાસને કારણે ખાનગી શાળામાં નોકરી કરતી એક યુવતી-શિક્ષિકાએ આપઘાત કરી લીધાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. આ ગંભીર મામલે મૃતક શિક્ષિકાના ભાઈની ફરિયાદના આધારે દિયોદર પોલીસે દહેજ ઉત્પીડન અને આપઘાતની દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ મૃતકના પતિ અને સાસુ સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દહેજ માટે ત્રાસ અને પતિ સંબંધ ન રાખતો હોવાનો ગંભીર આક્ષેપ

મળતી વિગતો અનુસાર, દિયોદર શહેરની ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ગાયત્રીબા જાડેજાના લગ્ન બાદ તેમના સાસરિયાં તરફથી સતત દહેજની માંગણી કરવામાં આવી રહી હતી. ગાયત્રીબા પર તેમના સાસરિયાં દહેજમાં સોનાની બંગડીઓ અને તુલસીની માળા લાવવા માટે સતત માનસિક તથા શારીરિક દબાણ કરતા હતા.

આ ઉપરાંત, ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો કરાયો છે કે ગાયત્રીબાના પતિ સેલેન્દ્ર સિંહ ભુપતસિંહ જાડેજા છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે પતિ-પત્ની તરીકેના કોઈ કાયદેસરના સંબંધ રાખતા ન હતા. સતત અણબનાવ, શારીરિક-માનસિક ત્રાસ અને કૌટુંબિક કલેશથી કંટાળીને આખરે ગાયત્રીબાએ જિંદગી ટૂંકાવી લેવાનો અત્યંત આકરું પગલું ભર્યું હતું.

ભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ

ગાયત્રીબાના આપઘાત બાદ તેમના ભાઈ કૃષકુમારસિંહ ચુડાસમાએ દિયોદર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની બહેનને સાસરિયાં દ્વારા સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેમણે મજબૂર થઈને આપઘાત કર્યો છે. ભાઈની આક્ષેપભરી અરજી અને નિવેદનના આધારે પોલીસે તારીખ 30/10/2026ના રોજ કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

પતિ અને સાસુ સામે ગુનો દાખલ

દિયોદર પોલીસ સ્ટેશનના PI સી.પી. જોશીએ મીડિયાને આ મામલે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતકની પરિવારજનોની ફરિયાદના આધારે ગાયત્રીબાના પતિ સેલેન્દ્ર સિંહ ભુપતસિંહ જાડેજા અને સાસુ ઇન્દિરાબા જાડેજા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને આરોપીઓને ઝડપી પાડવા માટે દિયોદર પોલીસે વિવિધ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે.