અંબાજી મહામેળામાં લોખંડી સુરક્ષા, 600થી વધુ સીસીટીવી અને એઆઈ કેમેરાથી રખાઈ રહી છે ચાંપતી નજર

ભાદરવી પૂનમ મહામેળો 2026 દરમિયાન અંબાજી ખાતે ઊભી કરાયેલી લોખંડી સુરક્ષા વ્યવસ્થા. નેત્રમ પ્રોજેક્ટ, ફેસ રેકગ્નિશન કેમેરા અને પોલીસની સતર્કતા વિશે જાણો વિગતવાર અહેવાલ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 23 Sep 2026 11:49 PM (IST)Updated: Wed, 23 Sep 2026 11:49 PM (IST)
tight-security-at-the-ambaji-mahamela-close-watch-being-kept-via-over-600-cctv-and-ai-cameras

Ambaji Mela 2026 Security: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમ મહામેળા 2026ના ચોથા દિવસે લાખોની સંખ્યામાં માઇભક્તો માં અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ રચાયેલી અલગ-અલગ 29 જેટલી સમિતિઓ યાત્રાળુઓને તમામ જરૂરી સેવા-સુવિધાઓ પૂરી પાડવા અવિરત કાર્ય કરી રહી છે. વિશાળ જનમેદની વચ્ચે શ્રદ્ધાળુઓ સુગમતા અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે સમગ્ર અંબાજી ધામમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા તથા લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

600થી વધુ સીસીટીવી અને 'નેત્રમ' પ્રોજેક્ટથી સજ્જ સુરક્ષા કવચ

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ સુરક્ષા વ્યવસ્થાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, માઇભક્તોની સલામતી સુનિશ્ચિત કરવા પરંપરાગત સુરક્ષા સાથે અદ્યતન ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મેળા ક્ષેત્રમાં 600થી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય સરકારના ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાપિત ‘નેત્રમ’ કેમેરા ઉપરાંત મંદિર પરિસર, વિવિધ પાર્કિંગ ઝોન અને ગબ્બર હિલ ખાતે લગાવેલા કેમેરાઓનો સમાવેશ થાય છે. આ તમામ કેમેરાઓનું જોડાણ પોલીસ કંટ્રોલ રૂમ સાથે કરાયું છે, જ્યાંથી સમગ્ર બંદોબસ્ત પર ચોવીસે કલાક ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ગબ્બર હિલ અને ભીડ નિયંત્રણ માટે વિશેષ ક્રાઉડ મેનેજમેન્ટ

ભૌગોલિક રીતે સાંકડા રસ્તા ધરાવતા ગબ્બર હિલ વિસ્તારમાં યાત્રિકોની સુરક્ષા માટે વિશેષ ક્રાઉડ મેનેજમેન્ટ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. સીસીટીવી અને પબ્લિક એડ્રેસ સિસ્ટમના સંકલન દ્વારા ચોક્કસ સમયે નિયત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓને આગળ પ્રવેશ આપવામાં આવે છે, જેથી અરાજકતા કે નાસભાગ જેવી સ્થિતિ ટાળી શકાય. આ સાથે વાહનોના સુચારુ સંચાલન માટે પાર્કિંગ વિસ્તારનું મેનેજમેન્ટ તેમજ અંબાજી મંદિર પરિસરમાં તૈયાર કરાયેલા હોલ્ડિંગ એરિયાનું વ્યવસ્થાપન પણ સીસીટીવી કેમેરાના રિયલ-ટાઇમ મોનિટરિંગ દ્વારા અત્યંત કુશળતાપૂર્વક સંભાળવામાં આવી રહ્યું છે.

AI અને ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ

મેળામાં સુરક્ષાના ઉચ્ચ ધોરણો જાળવવા અને અસામાજિક તત્વો પર નજર રાખવા માટે 15 જેટલા અત્યાધુનિક ‘ફેસ રેકગ્નિશન કેમેરા’ કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેમેરા ગુજરાત સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટાબેઝ સાથે જોડાયેલા હોવાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મારફત શંકાસ્પદ કે પૂર્વ ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોની ક્ષણવારમાં ઓળખ કરીને પોલીસ ટીમને તુરંત એલર્ટ મોકલે છે. વધુમાં, કોઈપણ સ્થળે અનિયંત્રિત ભીડ એકત્ર ન થાય તે માટે ૧૫ જેટલા ‘કાઉન્ટિંગ કેમેરા’ પણ લગાવવામાં આવ્યા છે, જે ભીડ નિયંત્રણમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

સુરક્ષા સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ: ખોવાયેલા બાળકોનું મિલન અને ચોરીના મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ

પોલીસ તંત્રની સતર્કતા, હાઇટેક કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સના સુમેળથી અત્યાર સુધીમાં 18 જેટલા ગુનાહિત તત્વોને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 12 મોબાઈલ ફોન, 8 પાકીટ અને 1 સોનાની ચેઇન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય 10 બિનવારસી મોબાઈલ પણ રિકવર કરાયા છે.

‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ 15 જેટલા નાગરિકોને તેમની ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ પરત સોંપવામાં આવી છે. આ ઉપરાંત, મેળાની ભીડમાં પરિવારથી વિખૂટા પડી ગયેલા 12 જેટલા બાળકોને શોધીને તેમના માતા-પિતા સાથે સુખદ પુનઃમિલાપ કરાવી પોલીસે સુરક્ષાની સાથે સાથે સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.