Bhadarvi Poonam Maha Mela 2026: બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમ મહામેળા 2026માં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મહામેળાના પાંચ દિવસ પૂર્ણ થયાની સાથે જ અત્યાર સુધીમાં 34.51 લાખ દર્શનાર્થીઓએ આદ્યશક્તિ મા અંબાના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. હાલની સ્થિતિની વાત કરીએ તો, લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા ચાલીને અંબાજી જઈ રહ્યા છે.
દાન અને ભંડારાની રકમમાં મોટો ઉછાળો
આ પણ વાંચો
અંબાજી ખાત ચાલી રહેલા મહામેળામાં ભક્તોએ મન મૂકીને દાન કર્યુ છે. પાંચમાં દિવસે ભંડારાની કુલ આવક 26,18,506 જેટલી થવા પામી છે. જ્યારે પાંચમા દિવસની કુલ આવક રુ.1,53,46,933 જેટલી આવક નોંધાઈ છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં પદયાત્રીઓ સંઘો દ્વારા મંદિરના શિખર પર રોજના ધોરણે ધજારોહણ પણ કરવામાં આવી રહ્યું છે.
પાંચમા દિવસે ભક્તોનો ભારે ઘસારો
મહામેળાના પાંચમા દિવસે સાંજે 5.00 વાગ્યા સુધીમાં 7,23,831 શ્રદ્ધાળુઓએ માતા અંબાજીના દર્શન કર્યા હતા. સેંકડો કિમી દૂરથી પહોંચેલા પગપાળા યાત્રા કરીને પહોંચેલા ભક્તો મંદિર પરિસરમાં દર્શન કરી ધન્ય બન્યા હતા. માતાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જ્યારે અનેક દર્શનાર્થીઓ દંડવત પ્રણામ કરતા મા અંબાજીના દ્વારે પહોચ્યા હતા.
પદયાત્રીઓ માટે કરાઈ વિવિધ વ્યવસ્થાઓ
શક્તિ, ભક્તિ અને આસ્થાના પાવન કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માઈભક્તો માટે વિવિધ આકર્ષણો અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મેળાના વાતાવરણમાં ભક્તિ અને આધ્યાત્મિકતાની સાથે અંબાજીને ભવ્ય રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર યાત્રાધામનું વાતાવરણ વધુ આકર્ષક બની ગયું છે. જ્યારે રસ્તાઓ પર ઠેર ઠેર નિ:શુલ્ક ભોજન, ચા-નાસ્તો, પીવાના પાણી અને આરામ કરવાની વ્યવસ્થા કરાઈ હતી. લાખોની સંખ્યમાં દર્શનાર્થીઓ દુ:ખ, પીડા ભૂલીને માતાના દર્શન માટે જઈ રહ્યા છે.
