Banaskantha: થરાદમાં યોજાયો "બિઝનેસ એક્સપો-2026", નવનિર્મિત જિલ્લાના વિકાસને મળશે વેગ

સ્થાનિક ઉત્પાદનોને બજાર સાથે જોડતા થરાદ બિઝનેસ એક્સપો 2026 નું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યું હતું.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 03 Jan 2026 12:08 PM (IST)Updated: Sat 03 Jan 2026 12:08 PM (IST)
tharad-business-expo-2026-inaugurated-by-shankar-chaudhary-667225
HIGHLIGHTS
  • થરાદમાં યોજાયો બિઝનેસ એક્સપો 2026
  • અધ્યક્ષ શંકર ચૌધરીએ ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું  
  • 26 જાન્યુઆરીની રાજ્ય સ્તરીય ઉજવણી થશે

Tharad Business Expo: થરાદ ખાતે બિઝનેસ એક્સપો 2026 નો પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્થાનિક વેપાર, ઉદ્યોગ, સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુસર આયોજિત આ એક્સપોમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોના વેપારીઓ, ઉદ્યોગકારો, યુવાઓ અને નાગરિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

થરાદ ખાતે બિઝનેસ એક્સપો-2026 નું આયોજન

આ તકે અધ્યક્ષ શંકર ચૌધરીએ એક્સપોમાં ગોઠવાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક ઉત્પાદનો, ઉદ્યોગોના નવીન પ્રયાસો અને વેપારીઓ દ્વારા રજૂ કરાયેલ ઉદ્યમી વિચારોને નિહાળી પ્રશંસા વ્યક્ત કરી હતી. સાથે સાથે ઉપસ્થિત વેપારીઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધી તેમને વ્યવસાયિક વિકાસ, ગુણવત્તા, નવી ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત અને બજાર વિસ્તરણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

સ્થાનિક સ્તરે રોજગારની નવી તકો સર્જાઇ 

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, નવનિર્મિત વાવ - થરાદ જિલ્લો આજે ધંધા-રોજગાર અને ઉદ્યોગ વિકાસની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. જિલ્લાને અનુકૂળ વ્યવસ્થા, વીજળી, પાણી, જમીન ઉપલબ્ધતા અને વહીવટી તંત્રના સહયોગના કારણે રોકાણકારો દ્વારા મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે સ્થાનિક સ્તરે રોજગારની નવી તકો સર્જાઈ રહી છે અને જિલ્લાની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિ

અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સરહદી વિસ્તારના નાગરિકોના હિતમાં સતત સંવેદનશીલતા સાથે કાર્ય કરી રહી છે. ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત પેકેજની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે, જે સરકારની પારદર્શિતા અને ખેડૂત હિત લક્ષી નીતિનો દાખલો છે.

26 જાન્યુઆરીની રાજ્ય સ્તરીય ઉજવણી  

શંકર ચૌધરીએ જણાવ્યું કે, આવનારી 26 જાન્યુઆરીની રાજ્ય સ્તરીય ઉજવણી વાવ- થરાદ જિલ્લામાં યોજાનાર છે, જે સમગ્ર જિલ્લાના નાગરિકો માટે ગૌરવની બાબત છે. આ ઉજવણીથી જિલ્લાની ઓળખ રાજ્ય સ્તરે વધુ મજબૂત બનશે તેમજ વિકાસની નવી તકો ઊભી થશે. બિઝનેસ એક્સપો 2026 ના માધ્યમથી સ્થાનિક ઉત્પાદનોને બજાર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનાથી નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી દિશા મળશે. 

આ એક્સપો જિલ્લાના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ અધ્યક્ષ શંકર ચૌધરીએ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વેપાર મંડળના આગેવાનો, ઉદ્યોગકારો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને વિકાસલક્ષી વાતાવરણમાં સંપન્ન થયો હતો.