Thara Nagarpalika Election 2026: બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત આજરોજ તા.11/10/2026ના રોજ સવારે નિર્ધારિત સમયે શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. થરા નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે કુલ 59 ઉમેદવારો માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે.લોકશાહીના આ મહાપર્વમાં નગરજનો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
મતદાતાઓની લાંબી કતારો લાગી
આજે વહેલી સવારથી જ વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને યુવા મતદારો, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી રહ્યા છે. પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોમાં ગર્વની લાગણી જોવા મળી હતી, જ્યારે વડીલો અને દિવ્યાંગ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓને પગલે તેઓ પણ સરળતાથી મતદાન કરી રહ્યા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝોનલ ઓફિસર્સ સહિત ચૂંટણી સ્ટાફ અને EVM ની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તમામ મતદાન કેન્દ્રો સહિત સમગ્ર વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
