ઉત્તર ગુજરાતમાં વાહનચાલકોને મોટો ઝાટકો: રાતોરાત CNGના ભાવમાં રુ. 6નો તોતિંગ વધારો, રિક્ષાચાલકોની કમાણી પર આર્થિક ફટકો

બનાસકાંઠા, વાવ અને થરાદમાં રાતોરાત સીએનજીના ભાવમાં ₹6નો તોતિંગ વધારો ઝીંકાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 04 Oct 2026 08:39 AM (IST)Updated: Sun, 04 Oct 2026 08:39 AM (IST)
cng-price-hike-gujarat-banaskantha-cng-rate-increase-north-gujarat-fuel-price-update

CNG Price Hike: ઉત્તર ગુજરાતના વાહનચાલકો અને સામાન્ય જનતા માટે ઘણા માઠા સમાચાર સામે આવ્યા છે. વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં સીએનજી ગેસના ભાવમાં રાતોરાત કિલો દીઠ રુ.6નો ધરખમ વધારો ઝીંકી દેવાયો છે. અચાનક થયેલા ભાવવધારાને લીધે ઓટોરિક્ષા ચાલકો સહિત સીએનજી વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

સીએનજી ગેસના ભાવમાં વધારો

IRM એનર્જી કંપની દ્વારા ગુરુવારની રાત્રે જ સીએનજીના નવા દરો અમલી કરી દેવામાં આવ્યા છે. ડીલર હાર્દીકકુમાર ચૌધરીના જણાવ્યા પ્રમાણે, કંપની દ્વારા પ્રતિ કિલો સીએનજી પર રુ.6નો વધારો કરાયો છે. જૂનો ભાવ રુ.88.94 પ્રતિ કિલો હતો. જેમાં રુ.6 દરનો વધારો કરી દેવાતાં નવો ભાવ રુ.94.94 પ્રતિ કિલો થઈ ગયો છે.

ઘર ચલાવવું મુશ્કેલ બન્યું-રિક્ષાચાલકોની વ્યથા

ઈંધણના ભાવવધારાથી ખાસ કરીને રોજિંદી કમાણી પર નિર્ભર એવા ઓટોરિક્ષા ચાલકોની રોજીરોટી પર સીધી અસર પડી છે. સ્થાનિક રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ, સીએનજીના ભાવ અચાનક રુ.6 વધી ગયા છે. પણ તેની સામે રિક્ષાભાડું વધતું નથી. એક બાજુ વાહનના મેન્ટેનન્સ અને સ્પેરપાર્ટ્સના ખર્ચ વધ્યા છે.

રિક્ષા ચાલકોમાં રોષની લાગણી

બીજી બાજુ ઈંધણ મોંઘું થતાં હવે પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. આ અણધાર્યા ભાવવધારાને કારણે સ્થાનિક વાહનચાલકોમાં રોષ વ્યાપ્યો છે અને દૈનિક કમાણી ઘટી જવાથી મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે.