Banaskantha News: ગુજરાત BJPના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ બનાસકાંઠાના પ્રવાસે આવ્યા હતા. તે દરમિયાન તેઓએ કોંગ્રેસ અને INDIA ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. પાલનપુર પાસે બનાસ કમલમ ખાતે સંગઠનની મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીની તુલના 'મોહમ્મદ અલી જિન્ના' સાથે કરી હતી. તેમજ કોંગ્રેસને મુસ્લિમ લીગ સાથે સરખાવતાં રાજકીય માહોલ ગરમાયો હતો. તેની સાથે સાથે કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીના વખાણ પણ કર્યા હતા.
શું કહ્યું ભાજપ પ્રદેશ પ્રભારીએ?
બીજેપી પ્રદેશ પ્રભારી તરુણ ચુઘે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ભારત દેશના વીર કેપ્ટન સ્મિતે પોતાની અદ્ભુત ક્ષમતા અને સૂઝબૂઝથી વિમાનમાં રહેલા 180થી વધારે પેસેન્જરોના જીવ બચાવ્યા છે. જેથી સમગ્ર વિશ્વ ભારત અને વીર કેપ્ટન સ્મિત મચ્છરના વખાણ કર્યા છે.
આ સાથે તરુણ ચુઘે વોટબેંક અને તુષ્ટીકરણની રાજનીતિ પર કોંગ્રેસ અને ગઠબંધનના નેતાઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી પર કોંગ્રેસના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.
તરુણ ચુઘે કોંગ્રેસ પર કર્યો પ્રહાર
તરુણ ચુઘે મીડિયા સાથે વાતચીત કરતાં રાહુલ ગાંધીની સરખામણી મોડર્ન જિન્ના સાથે કરી હતી. તેમજ કોંગ્રેસનેસ મુસ્લિમ લીગનો નવો અવતાર ગણાવ્યો હતો. તેમજ પીએમ મોદીના 25 વર્ષના સફળ શાસનની પ્રશંસા કરતા જણાવ્યું કે, 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીના સ્ટેટ હેડ અને સરકારના વડા તરીકે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેમણે પોતાના જીવનની ક્ષણે-ક્ષણ દેશસેવા અને જનકલ્યાણમાં સમર્પિત કરી છે.
