વાવમાં પાણીના વપરાશ અંગેના નિવેદન પર મંત્રી સ્વરૂપજી ઠાકોરનો ખુલાસો, કહ્યું- ખેડૂતોને નર્મદાનું સિંચાઈનું પાણી તો પૂરતું જ મળશે

વાવ સભાના નિવેદન અંગે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે ખુલાસો કર્યો છે. અલ-નિનોના કારણે ઓછા વરસાદની શક્યતા જોતાં પાણીનો બગાડ અટકાવવા ટપક સિંચાઈ અપનાવવા વિનંતી કરાઈ હતી, ખેડૂતોને નર્મદાનું પાણી પૂરતું મળશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 19 Oct 2026 11:41 PM (IST)Updated: Mon, 19 Oct 2026 11:41 PM (IST)
swarupji-thakor-clarifies-vav-water-usage-statement

Vav News: રાજ્યના ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવ ખાતે યોજાયેલી સભામાં પાણીના ઉપયોગ અંગે આપેલા નિવેદન પર સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, વાવના કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં વરસાદની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ નિવેદન આપવામાં આવ્યું હતું. ચાલુ વર્ષ સમગ્ર રાજ્ય માટે અલ-નિનોની અસર ધરાવતું વર્ષ હોવાથી સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે.

ભવિષ્યના જળસંકટથી બચવા ટપક સિંચાઈ અપનાવવા અપીલ

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, નિવેદનનો મુખ્ય આશય આગામી સમયમાં કોઈ પણ પ્રકારનું જળસંકટ ન ઊભું થાય તે માટે ખેડૂતોને જાગૃત કરવાનો હતો. વિસ્તારના ખેડૂત ભાઈઓ અત્યારથી જ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, પાણીનો વ્યય અટકાવે અને ટપક તથા ફુવારા સિંચાઈ જેવી આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવે તે માટે સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઓછા પાણીની જરૂરિયાત હોય તેવા પાકોનું વાવેતર કરવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી હતી.

'દર વર્ષની જેમ જ મળશે નર્મદાનું પાણી'

સિંચાઈના પાણી અંગે ખેડૂતોમાં ઊભી થયેલી શંકાઓ દૂર કરતા મંત્રી સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષની જેમ જ આ વર્ષે પણ નિયત કરાયેલું નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવશે. ખેડૂતોના હિત માટે સરકાર કટિબદ્ધ છે.

નિવેદનને નકારાત્મક ન લેવા વિનંતી

પોતાની વાત રજૂ કરતાં તેમણે અંતમાં જણાવ્યું કે- મારી આ રજૂઆત કે નિવેદનને નકારાત્મક રીતે લેવાને બદલે, આગામી સમયમાં પાણીની તંગી ન સર્જાય તે માટે અત્યારથી જ સકારાત્મક પગલાં લેવા હું જનસામાન્ય તથા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કરું છું.