PM મોદીના અંબાજી પ્રવાસને પગલે 12 નવેમ્બરથી ટ્રાફિક ડાયવર્ઝન, આબુરોડ-હિંમતનગર માટે નવા રૂટ જાહેર

12 થી 14 નવેમ્બર સુધી અંબાજી દર્શનાર્થે આવતા અને પસાર થતા વાહનો માટે 3 દિવસ ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 12 Nov 2026 05:44 PM (IST)Updated: Thu, 12 Nov 2026 05:44 PM (IST)
pm-modi-gujarat-visit-2026-ambaji-traffic-diversion-routes-from-12-to-14-november

PM Modi Gujarat Visit: આગામી 14 નવેમ્બર, 2026 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે આવશે. PM મોદીના પ્રવાસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે તે હેતુથી અંબાજી આવતા અને પસાર થતા વાહનો માટે 3 દિવસ ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.પી. પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(બી) અન્વયે 12 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી વાહન વ્યવહારના રૂટ ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ હુકમ મુજબ આબુરોડ (રાજસ્થાન) તરફથી અંબાજી થઈ હિંમતનગર જતા વાહનોએ વાયા પાલનપુર થઈ હિંમતનગર જવાનું રહેશે. જ્યારે હિંમતનગર તરફથી અંબાજી થઈ આબુરોડ (રાજસ્થાન) જતા વાહનોને હડાદ થઈ વાયા પાલનપુર થઈ આબુરોડ જવાનું રહેશે.

આ ઉપરાંત, અંબાજી મંદિરે દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે રૂટમાં ફેરફાર કર્યો છે. જે મુજબ હિંમતનગર તરફથી અંબાજી દર્શન અર્થે આવતા વાહનોએ હડાદ-દાંતા થઈ અંબાજી આવવાનું રહેશે. તેમજ પાલનપુર તરફથી બાલારામ-વિરમપુર થઈ અંબાજી દર્શન અર્થે આવતા વાહનોએ પાલનપુર-દાંતા થઈ અંબાજી આવવાનું રહેશે.

આ પ્રતિબંધિત હુકમનો કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 તથા 135 તેમજ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.