PM મોદીના અંબાજી પ્રવાસને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક, ત્રણ દિવસ માટે 'નો-ફ્લાય ઝોન' જાહેર

સુરક્ષાના કારણોસર અંબાજીના કાર્યક્રમ સ્થળ અને હેલીપેડ વિસ્તારમાં ડ્રોન સહિતના ઉડ્ડયન સાધનો પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 12 Nov 2026 05:01 PM (IST)Updated: Thu, 12 Nov 2026 05:01 PM (IST)
pm-modi-ambaji-visit-2026-no-fly-zone-declared-from-12-to-14-november
AI Generated Image

PM Modi Ambaji Visit: આગામી 13 અને 14 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન PM મોદી બનાસકાંઠા જિલ્લાના અંબાજીની મુલાકાત લેશે. આ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અંબાજીમાં કાર્યક્રમ સ્થળ અને હેલીપેડ વિસ્તારમાં 'નો ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ચેલજી પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ-163 મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર દાંતા તાલુકાના અંબાજી ખાતેના ચીખલા હેલીપેડ તથા કાર્યક્રમના સ્થળથી 1 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને 12 નવેમ્બરથી 14 નવેમ્બર, 2026 સુધી 'નો ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.

12 નવેમ્બરથી 14 નવેમ્બર સમયગાળા દરમિયાન નક્કી કરેલા વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (Drone), ક્વાડ કોપ્ટર (Quadcopter), પાવર્ડ એરક્રાફ્ટ, માઈક્રો લાઈટ એરક્રાફ્ટ (Microlight Aircraft), હેંગ ગ્લાઈડર (Hang Glider), પેરા ગ્લાઈડર (Para Glider), પેરા મોટર (Para Motor), હોટ એર બલૂન (Hot Air Balloons) ચલાવવા તેમજ પેરા જમ્પિંગ (Para Jumping) કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે. એવા ઈસમો સામે જે તે કચેરીના ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ તથા પોલીસ વિભાગના પોલીસ સબ ઈન્સ્પેક્ટરના દરજ્જાથી ઉતરતા ન હોય તેવા અધિકારીઓને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે.