Vav-Tharad News: નવીન વાવ-થરાદ જિલ્લામાં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રપ્રેમની લહેર છવાઈ છે. આજે થરાદ શહેરના આઇકોનિક રોડ પર પોલીસ વિભાગ દ્વારા એક ભવ્ય અને શિસ્તબદ્ધ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
ગૌ માતા સર્કલથી કેનાલ સુધી શૌર્યના દર્શન
આ ફ્લેગ માર્ચ ગૌ માતા સર્કલથી શરૂ થઈને નર્મદા નહેર કેનાલ સુધી યોજાઈ હતી. માર્ગની બંને બાજુ હજારોની સંખ્યામાં ઉમટેલા નાગરિકોએ 'ભારત માતા કી જય' ના નારા સાથે પોલીસ જવાનોને વધાવ્યા હતા. ડીજે પર ગુંજતા દેશભક્તિના ગીતો અને તિરંગા સાથેની કૂચે વાતાવરણને ગૌરવવંતુ બનાવ્યું હતું.
રોમાંચક કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
ફ્લેગ માર્ચમાં વિવિધ ટુકડીઓ અને સુરક્ષા દળોએ પોતાની તાકાત અને શિસ્તનું પ્રદર્શન કર્યું હતું:
- સ્ટન્ટ્સ: અશ્વદળના શક્તિશાળી ઘોડાઓની પરેડ અને બાઈક સવારોના જોખમી અને રોમાંચક કરતબોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
- પ્લાટુન: ચેતક કમાન્ડો, મહિલા પોલીસ, હોમગાર્ડ, NCC અને સૈનિક સ્કૂલના પ્લાટુનની શિસ્તબદ્ધ કૂચ જોઈ નાગરિકો ગદગદિત થયા હતા.
- બાળ પરેડ: પરેડમાં નાના બાળકોની સહભાગીતાએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.
સરહદની સુરક્ષામાં નાગરિકોની જાગૃતિ મહત્વની: અધ્યક્ષ
આ પ્રસંગે પ્રતિક્રિયા આપતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, "થરાદના પ્રજાજનો જે રીતે તિરંગાથી ગામ શણગારીને દેશપ્રેમ વ્યક્ત કરી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે સરહદી વિસ્તારના નાગરિકો જેટલા દેશભક્ત અને જાગૃત હશે, દેશની સીમાઓ તેટલી જ વધુ સુરક્ષિત રહેશે."
મુખ્યમંત્રી અને રાજ્યપાલનું આગમન
25 જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલના આગમનને લઈને પણ થરાદમાં અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ફ્લેગ માર્ચ દ્વારા તંત્રએ જનતામાં શાંતિ, સુરક્ષા અને વિશ્વાસનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
