Women Art and Craft Fest: ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો પ્રારંભ થયો છે. આ તકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષા વકીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા આયોજિત આ પ્રદર્શન 23 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે. વિધાનસભાના પ્રાંગણમાં સવારે 9:30 થી સાંજે 6:30 કલાક દરમિયાન નાગરિકો આ સ્ટોલની મુલાકાત લઈ શકશે. અહીં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરેલા હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોના કુલ 10 પ્રદર્શન-સહ-વેચાણ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.
શંકર ચૌધરીએ કર્યું ઉદ્ઘાટન
મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, ગુજરાતની મહિલાઓએ પોતાના પુરુષાર્થ અને કૌશલ્ય થકી હસ્તકલા, ખાસ કરીને ભરતકામ જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. આજે ગુજરાતની આ પરંપરાગત કળા સમગ્ર વિશ્વ માટે એક પ્રતિષ્ઠિત 'બ્રાન્ડ' બની ગઈ છે.
આ પણ વાંચો: સર્પદંશથી થતા મૃત્યુના દરમાં થશે ઘટાડો, ગુજરાત પાસે હશે સ્થાનિક સાપોના ઝેરમાંથી બનેલું એન્ટિવેનમ
વિધાનસભાના પ્રાંગણમાં આયોજન
શંકર ચૌધરીએ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીને આ સુંદર પહેલ બદલ અભિનંદન પાઠવ્યા અને અનુરોધ કર્યો કે, ધારાસભ્યોના માધ્યમથી આ કળાનો રાજ્યના ખૂણે-ખૂણે પ્રચાર થાય તે દિશામાં સઘન પ્રયાસો કરવામાં આવે. વિધાનસભાના પ્રાંગણમાં આ પ્રકારનું આયોજન એ રાજ્યની બહેનો માટે એક નવી આશાનું કિરણ છે.
શંકર ચૌધરીએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ સ્ટોલ્સ માત્ર વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ મહિલા શક્તિના પરિશ્રમ અને સ્વાભિમાનનું પ્રતીક છે. આ પ્રદર્શનમાં પ્રદર્શિત દરેક વસ્તુમાં બહેનોની મહેનત અને આત્મનિર્ભર ભારતના સપનાની ઝાંખી જોવા મળે છે. આપનો નાનો સહયોગ તેમને નવી ઊર્જા પૂરી પાડશે.
