Palanpur News: આજે દિયોદર સ્થિત ઓગડધામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં ઠાકર સમાજના બંધારણના 16 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઉપસ્થિત રહેલા અલ્પેશ ઠાકોરને બંધારણની એક વાત એ સારી લાગી હતી કે પંદર પંદર દિવસના આખા વર્ષના ત્રીસ મુરત નક્કી કર્યા. લગનની સીઝન બે હોય. અને મહા મહિનો ને વૈશાખ. આ બે મહિનાની જે લગ્નની નક્કી કરવા. તેમણે આ સાથે જ 26 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ઠાકોર સમાજની એકતાનો પરચો કરાવવા માટે બધાને આવવા આમંત્રણ પાઠવ્યું હતું.
સમાજની તકલીફો અને પીડાઓ જાણ્યા બાદ આ બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો
અલ્પેશ ઠાકોરે ઓગડનાથ ભગવાનની જગ્યા પર યોજાયેલી બંધારણ સભામાં સમાજને સંબોધતા કુરિવાજો, ખોટા ખર્ચાઓ અને અન્ય પીડાદાયક સામાજિક પ્રશ્નો સામે જાગૃત થવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી બેઠકોમાં સમાજની તકલીફો અને પીડાઓ જાણ્યા બાદ આ બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો છે, જેનો અમલ તાલુકે તાલુકે અને ગામડે ગામડે કરવાનો છે.
અલ્પેશ ઠાકોરે અન્ય સમાજો જે રીતે ટેકનોલોજી અપનાવી, વ્યસનમુક્તિ અપનાવી, શિક્ષણને પ્રાધાન્ય આપ્યું અને અંધશ્રદ્ધાનો ત્યાગ કરીને પ્રગતિ કરી રહ્યા છે, તે જ રીતે પોતાના સમાજને પણ આગળ વધારવા માટે પ્રેરણા આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ સભામાં કોઈ રાજકીય પક્ષના નહીં, પરંતુ સમાજના હિતેચ્છુ આગેવાનો એકઠા થયા છે.
નવા બંધારણની આ બાબતની કરી પ્રશંસા
અલ્પેશ ઠાકોરે સમાજ કલ્યાણ અને ઉન્નતિ માટે નવા નિયમો અથવા 'બંધારણ' ના અમલીકરણ પર ભાર મૂક્યો હતો. આગેવાનોને રાજકીય લડાઈઓથી ઉપર ઉઠીને સમાજને સાચી દિશા આપવાની નૈતિક જવાબદારી યાદ અપાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે જો વર્તમાન પેઢી સમાજનું સાચું નેતૃત્વ નહીં કરે તો આવનારી પેઢી તેમને માફ નહીં કરે. વર્તમાન બંધારણના અમલવારી પર ભાર મૂકતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, લગ્ન માટે વૈશાખ સુદ અને મહા મહિનામાં (દરેકના 15-15 દિવસ) કુલ 30 શુભ મુહૂર્ત નક્કી કરવાનો નિર્ણય આવકાર્ય છે. તેમણે આ નિયમની પ્રશંસા કરતા કહ્યું કે, તેનાથી લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ અટકશે અને સમાજની અડધી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે.
'બોલામણા' જેવી પ્રથા બંધ કરવા ભલમાણ કરી
આ નિયમ ઘડનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠવતા ઠાકોરે આશા વ્યક્ત કરી કે તેનાથી પચાસ ટકા તકલીફોનો અંત આવશે. આ ઉપરાંત, તેમણે 'બોલામણા' જેવી પ્રથા બંધ કરવા માટે બંધારણમાં સત્તરમો નિયમ ઉમેરવાનું સૂચન કર્યું. તેમણે દલીલ કરી હતી કે, 'બોલામણા'ના નામે માંદા વ્યક્તિના દવાખાનાના બિલ ભરવામાં મદદ કરવાના હેતુથી શરૂ થયેલી આ પ્રથામાં 10 હજાર રૂપિયાના બિલ સામે અઢી લાખ રૂપિયા સુધીનો ખોટો ખર્ચ થઈ જાય છે, જે તાત્કાલિક બંધ થવો જોઈએ.
સંયુક્તપણે કુલ 11 વીઘા જમીન આપવાની જાહેરાત કરી
ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે સમાજના બંધારણના સમાન અને કડક અમલીકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે તેમના કમાન્ડો સુરપાલસિંહ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો ઉલ્લેખ કર્યો કે શું આ નિયમો પૈસાદાર અને વગદાર નેતાઓને પણ લાગુ પડશે, જેના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું કે સમાજના ઉત્થાન માટે આ નિયમોનું પાકી અમલવારી કરવી અનિવાર્ય છે અને તે દરેક માટે સન્માનજનક છે. આ ઉપરાંત, ગેનીબેન દ્વારા સદારામ ધામ માટે10-11 વીઘા જમીન મેળવવાની વાત કરતાં, સમાજના સક્ષમ લોકોએ એક-એક વીઘા જમીન આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે અલ્પેશ ઠાકોર, લવિંગજી, કેસાજી અને સ્વરૂપજી ઠાકોરે સંયુક્તપણે કુલ 11 વીઘા જમીન આપવાની જાહેરાત કરી હતી.
26 જાન્યુઆરીએ ગાંધીનગરના એકતાનો પરચો બતાવાશે
અલ્પેશ ઠાકોરે 26મી જાન્યુઆરીની રાત્રે 3 વાગ્યે ગાંધીનગરમાં યોજાનારા એક શૈક્ષણિક સંસ્થાના ભૂમિપૂજન કાર્યક્રમ માટે સમાજના લોકોને આમંત્રણ આપ્યું છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઘડવાનો છે. તેમણે જગદીશભાઈ ઠાકોર, બળદેવજી, તેમના પિતા ખોડાજી ઠાકોર સહિત પાટણ, દિયોદર, ભાભર અને રાધનપુરમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત વિવિધ આગેવાનોના પ્રયાસોને બિરદાવ્યા હતા. જોકે, તેમણે ચિંતા વ્યક્ત કરી કે આગેવાનો શાળાઓ અને કોલેજો બનાવી રહ્યા છે, પરંતુ સમાજ પોતાના બાળકોને ભણવા મોકલતો નથી, જેના કારણે તેમનો સર્વાંગી વિકાસ અટકી જાય છે.
અલ્પેશ ઠાકોરે સમાજમાં શિક્ષણ અને પ્રગતિ માટેની ભૂખ કેળવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો, જેથી બાળકોને દિયોદર કે અમદાવાદ છોડીને પણ આગળ વધવા પ્રોત્સાહન મળે. તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્થાઓ બનાવવી જેટલું મુશ્કેલ છે, તેના કરતાં તેમને ચલાવવી અને નિભાવવી વધુ કઠિન છે, માટે સમાજને પોતાના બાળકોને ભણવા મોકલવા અને આ વ્યવસ્થાનો લાભ લેવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘણા બધાએ પૂછ્યું કે રાતના ત્રણ વાગે કેમ? ત્યારે અહી બધાય બેઠેલા આગેવાનોને આમંત્રણ આપું છું. આ સમાજ… સમાજે સમયાંતરે પોતાની એકતાનો તાકાતનો પરચો બતાવવો જ પડે.
