Palanpur જેલના કેદીઓની ઝળહળતી સફળતા; હત્યાના આરોપી સહિત 23 કેદીઓએ 'ફૂડ એન્ડ ન્યુટ્રિશન'ની પરિક્ષા પાસ કરી મેળવી શૈક્ષણિક સિદ્ધી!

પાલનપુર સબ જેલના 24 માંથી 23 કેદીઓએ 95.83% પરિણામ સાથે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વર્ષ 2025-26નો ચાલતો ફૂડ એન્ડ ન્યુટ્રિશન કોર્સની પરિક્ષા પાસ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 15 Apr 2026 09:45 AM (IST)Updated: Wed, 15 Apr 2026 09:45 AM (IST)
palanpur-news-sub-jail-prisoners-pass-food-nutrition-exam-inspiring-story

Palanpur News: જેલ માત્ર સજાનું સ્થળ નહીં, પરંતુ સુધારાનું કેન્દ્ર બની શકે છે. તે પાલનપુર સબ જેલના કેદીઓએ સાબિત કરી દેખાડ્યું છે. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) દ્વારા આયોજિત 'ફૂડ એન્ડ ન્યુટ્રિશન' કોર્સમાં જેલના કેદીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. જેમાં પાલનપુર સબ જેલમાં સજા કાપી રહેલા 24 કેદીઓમાંથી 23 કેસીઓએ ફૂડ એન્ડ ન્યુટ્રિશનની પરિક્ષા પાસ કરીને 95.83 ટકા પરિણામ મેળવ્યું છે.

ફૂડ એન્ડ ન્યુટ્રિશનની પરિક્ષામાં શાનદાર પ્રદર્શન

ઈન્ચાર્જ જેલર પંકજભાઈ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, જેલમાં શિક્ષણ દ્વારા કેદીઓના માનસમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. વર્ષ 2025-26ના શૈક્ષણિક કાર્યક્રમ હેઠળ કેદીઓને જેલમુક્તિ બાદ સમાજમાં સન્માનજનક રીતે જીવવા માટે આ પ્રકારના કોર્સ મદદરૂપ બનશે. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા ફૂડ એન્ડ ન્યુટ્રિશન કોર્સમાં પાલનપુર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ્ હતું.

જેલનું કુલ પરિણામ 95.83 ટકા

જેલના ઈન્ચાર્જ જેલરના જણાવ્યા મુજબ, જેલમાંથી કુલ 24 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 23 કેદીઓ જ પાસ થયા હતા. પરંતુ એક જ નાપાસ થયો હતો. જેલનું પરિણામ 95.83 ટકા જેલું નોંધાયું છે. આ પરિણામમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી સફળતા મહેશકુમાર નરસંગજી મકવાણાની રહી છે. હત્યાના ગુનામાં છેલ્લા 15 મહિનાથી સજા કાપી રહેલા મહેશકુમારે પારાવાર કૌટુંબિક આઘાતો વચ્ચે આ સિદ્ધિ મેળવી છે.

હત્યાના આરોપીએ મેળવી સિદ્ધી

પાલનપુરના ઢેલાણા ગામના મહેશકુમાર નરસંગજીના માતાપિતાનું મોત થઈ ગયું હતું. બહેનના લગ્ન થઈ ગયા ઉપરાંત ભાઈનું મોત થઈ ગયું હતું. પરિવારજનોના મોત બાદ હત્યાના કેસમાં સજા કાપી રહેલા કેદીએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. કેદીએ જેલમાં રહીને ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં સર્ટિફિકેટ કોર્સની પરિક્ષા પાસ કરતા તેમની સફળતાને બિરદાવાઈ રહી છે.