બનાસકાંઠામાં વરસાદની અછતથી ખેડૂતો-પશુપાલકોની કપરી સ્થિતિ; ધારાસભ્ય માવજી દેસાઈએ વિશેષ રાહત પેકેજ જાહેર કરવા કરી માગ

વરસાદની અછતને કારણે જમીનમાં જરૂરી ભેજ તથા જળસંગ્રહ ન થતાં ચાલુ ખરીફ પાકોના ઉત્પાદન સાથે આગામી શિયાળુ અને ઉનાળુ સિઝનના વાવેતર તથા ઉત્પાદન પર પણ પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 06 Sep 2026 01:12 PM (IST)Updated: Sun, 06 Sep 2026 01:12 PM (IST)
banaskantha-rain-deficit-mla-mavji-desai-demands-special-relief-package-for-farmers-and-cattle-rearers

Palanpur News: બનાસકાંઠા જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન પડેલા અપેક્ષા મુજબના નહિવત્ વરસાદના કારણે ખેતી અને પશુપાલન પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સમગ્ર જિલ્લા માટે ખેડૂતો અને પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડવા તથા વિશેષ રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી છે. જિલ્લાના સરહદી અને અર્ધ-શુષ્ક ભૌગોલિક વિસ્તારમાં ખેતી અને પશુપાલન આધારિત ગ્રામ્ય અર્થતંત્ર પર ઘેરાતા સંકટને ટાળવા આ રજૂઆત અત્યંત મહત્ત્વપૂર્ણ બની છે.

ખેતી તથા પશુપાલન વ્યવસાય સામે ગંભીર પડકારો ઊભા થયા

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇએ લખ્યું છેકે, ગુજરાતના સરહદી અને અર્ધ-શુષ્ક ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા અમારા બુહદ બનાસકાંઠા જિલ્લાનું ગ્રામ્ય અર્થતંત્ર મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત છે. ચાલુ ચોમાસા દરમિયાન જિલ્લામાં અપેક્ષિત પ્રમાણમાં વરસાદ નહિવત થતાં વરસાદ આધારિત ખેતી તથા પશુપાલન વ્યવસાય સામે ગંભીર પડકારો ઊભા થયા છે. વરસાદની અછતને કારણે જમીનમાં જરૂરી ભેજ તથા જળસંગ્રહ ન થતાં ચાલુ ખરીફ પાકોના ઉત્પાદન સાથે આગામી શિયાળુ અને ઉનાળુ સિઝનના વાવેતર તથા ઉત્પાદન પર પણ પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે.

naidunia_image

ખેડૂતોની આવક, પશુપાલકોની આજીવિકા પર અસર થઇ શકે

તેમણે વધુમાં લખ્યું છેકે, આ પરિસ્થિતિની સીધી અસર ખેડૂતોની આવક, પશુપાલકોની આજીવિકા અને સમગ્ર જિલ્લાના ગ્રામ્ય અર્થતંત્ર પર થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. મારા મત વિસ્તાર,ધાનેરા વિધાનસભાના ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં સિંચાઈ માટે ભૂગર્ભજળ પર જ મુખ્યત્વે નિર્ભરતા છે. સરેરાશ 1 હજાર ફૂટ જેટલી ઊંડાઈએ સિંચાઈયોગ્ય પાણી મેળવવું પડતું હોવા ઉપરાંત અનેક વિસ્તારોમાં ભૂગર્ભજળમાં ક્ષારતાની સમસ્યા પણ પ્રવર્તે છે. ચાલુ ચોમાસામાં વરસાદી પાણીનું ભૂગર્ભજળમાં પુનર્ભરણ નહિવત્ રહેતાં આગામી રવિ તથા ઉનાળુ સિઝનમાં સિંચાઈયોગ્ય પાણીની ઉપલબ્ધતા ઘટી, વાવેતર વિસ્તાર અને પાક ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે.

ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રીને તાત્કાલિક ધોરણે ધાનેરા વિધાનસભા મતવિસ્તાર સહિત સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લામાં તાલુકાવાર સર્વે કરાવી, વરસાદની અછતથી થયેલ તથા આગામી સિઝનમાં સંભવિત નુકસાનને ધ્યાને લઈ ખેડૂતો અને પશુપાલકો માટે વિશેષ "રાહત પેકેજ" જાહેર કરવા રજૂઆત કરી છે. આ પેકેજ અંતર્ગત નિયમોનુસાર આર્થિક સહાય અને જરૂરી રાહતલક્ષી લાભ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.