Palanpur News: ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના સામાજિક ઉત્થાન અને સંગઠન માટે યોજાયેલા બંધારણના મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે(Genben Thakor) મોટી જાહેરાત કરી છે. સમાજની એકતા અને વ્યસન મુક્તિ માટે કડક વલણ અપનાવતા ગેનીબેને સમાજ માટે શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ ધમધમતી કરવા 'સદારામ ધામ(sadaram dham)' બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેની શરૂઆત તેમણે પોતે એક વીઘા જમીનની કિંમત જેટલી રકમ દાનમાં આપીને કરી હતી.
તમારી પાસે ખોળો પાથરીને એક દીકરી ભીખ માંગે છે
સદારામ બાપુના સાક્ષીએ બનાવાયેલા સામાજિક બંધારણ(thakor Samaj)ના અમલીકરણ પ્રસંગે બોલતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, તમારી પાસે ખોળો પાથરીને એક દીકરી ભીખ માંગે છે કે આ સમાજની બદીઓ બાંધવા… નાથવા માટે સમાજના શૈક્ષણિક સંકુલો બનાવો અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય, તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય. જે રીતે અન્ય સમાજો (જેમ કે પાટીદાર, રબારી, દલિત, ક્ષત્રિય વગેરે) તેમના આરાધ્ય દેવો કે મહાપુરુષોના નામે એકત્રિત થાય છે, તેવી જ રીતે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજે પણ 'સદારામ બાપુ'ના નામે એકત્ર થવું જોઈએ. તેમણે બનાસકાંઠા અને પાટણ વચ્ચે આવેલી જગ્યા પર ભવ્ય 'સદારામ ધામ' બનાવવાની હાકલ કરી હતી.
- માત્ર ઠાકોર સમાજ પાસેથી જ દાન લેવામાં આવશે
આ ધામના નિર્માણ માટે તેમણે ગણતરી માંડતા કહ્યું કે, બનાસકાંઠા અને પાટણ લોકસભાની બે બેઠકોમાં મળીને અંદાજે 27 લાખની વસ્તી છે. જો સમાજનો દરેક વ્યક્તિ માત્ર 100 રૂપિયાનું યોગદાન આપે તો પણ વાર્ષિક 27 કરોડ રૂપિયા એકત્ર થઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "આ ધામ બનાવવા માટે માત્ર અને માત્ર ઠાકોર સમાજ પાસેથી જ દાન લેવામાં આવશે, જેથી સમાજ સ્વાવલંબી અને સ્વનિર્ભર બને."
દાતાઓનો પ્રવાહ: એક પછી એક વીઘા જમીનની જાહેરાત
ગેનીબેને પોતાની સંસદ સભ્ય તરીકેની આવકમાંથી અંદાજે 15 થી 20 લાખ રૂપિયાની કિંમતની એક વીઘા જમીન ખરીદી આપવાની જાહેરાત કરતાની સાથે જ મંચ પરથી દાનનો પ્રવાહ શરૂ થયો હતો. તેમના આહ્વાનને ઝીલીને ધારાસભ્ય અમરતજી ઠાકોર, ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર, ગાંધીનગરના રામાજી ઠાકોર, વેલાજી ભગત સહિત અનેક અગ્રણીઓએ પણ 'સદારામ ધામ' માટે બબ્બે અને એક-એક વીઘા જમીન આપવાની જાહેરાત કરી હતી.
વ્યસન મુક્તિ અને વિધવા બહેનોની વેદના
કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોર ભાવુક જોવા મળ્યા હતા. તેમણે સમાજમાં ફેલાયેલા દારૂ અને અન્ય વ્યસનો સામે લાલ આંખ કરી હતી. તેમણે ચોંકાવનારા આંકડા આપતા કહ્યું હતું કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ધ્યાન પર આવ્યું છે કે 20 થી 30 વર્ષના અનેક યુવાનોના નામ યાદીમાંથી કમી થયા છે, જેનું મુખ્ય કારણ વ્યસન છે. તેમણે ઉમેર્યું હતું કે નાની ઉંમરે વિધવા થતી દીકરીઓની વેદના એક મહિલા અને સમાજ સેવક તરીકે તેમનાથી જોવાતી નથી. તેમણે સમાજના સાધુ-સંતો અને આગેવાનોને આ બદી ડામવા માટે આગળ આવવા વિનંતી કરી હતી.
બંધારણનો ભંગ કરનારને 'સમાજદ્રોહી' ગણવાની ચીમકી
સમાજના 16 મુદ્દાના બંધારણ અંગે વાત કરતા ગેનીબેને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો કોઈ વ્યક્તિ ઓગડજી અને સદારામ બાપુની સાક્ષીએ નક્કી થયેલા આ બંધારણનું પાલન નહીં કરે અથવા તેમાં બાંધછોડ કરશે, તો તેને સમાજનો સૌથી મોટો દ્રોહી અને દુશ્મન ગણવામાં આવશે. તેમણે સમાજને અપીલ કરી હતી કે નિયમો તોડનાર વ્યક્તિના પ્રસંગોમાં હાજરી ન આપવી અને તેની સાથે વ્યવહાર ન રાખવો. આગામી તારીખ 4 જાન્યુઆરી 2027ના રોજ ફરીથી 'બંધારણ દિવસ'ની ઉજવણી કરવામાં આવશે અને ત્યાં સુધીમાં સદારામ ધામ માટે જમીન ખરીદવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
