Palanpur News: બનાસકાંઠાના સર્વાંગી વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરતાં ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને એનડીડીબીના સંયુક્ત ઉપક્રમે સ્થાપિત ‘બનાસ બાયો-સીએનજી મોડેલ પ્લાન્ટ’નું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં તથા સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન તોશિહિરો સુઝુકી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને વન તથા પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાયો-સીએનજી ફિલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન તેમજ દેશમાં સહકારી મોડેલ આધારિત પ્રથમ ‘ગ્રામીણ ભારત ટેક્સી’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોએ પ્લાન્ટની મુલાકાત લઈ ગોબર પ્રોસેસિંગ, બાયો-ગેસ ઉત્પાદન, ગેસ શુદ્ધિકરણ તથા વિતરણ પ્રક્રિયાની વિસ્તૃત માહિતી મેળવી હતી. આ પ્રોજેક્ટ સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા સાથે ગૌ-આધારિત અર્થતંત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આ પણ વાંચો
આ પ્રસંગે સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન તોશિહિરો સુઝુકીએ જણાવ્યું કે, બનાસ ડેરી, એનડીડીબી અને સુઝુકીની ત્રિપક્ષીય ભાગીદારીથી વીંછીવાડી ખાતે સાકાર થયેલો બાયોગેસ પ્લાન્ટ હરિત ઊર્જા ક્ષેત્રે મહત્વનું સીમાચિહ્ન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન તથા ભારત અને જાપાન વચ્ચે થયેલા સંયુક્ત સંકલ્પ થકી દેશભરમાં 1 હજાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું સ્વપ્ન હવે ઝડપથી વાસ્તવિકતા તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં 40 વર્ષના બહોળા અનુભવ સાથે સુઝુકી કંપની બનાસ ડેરી સાથે ખભેખભા મિલાવીને આ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા કટિબદ્ધ છે. તેમણે દામા પ્લાન્ટથી શરૂ થયેલી આ બાયોગેસ ક્રાંતિ માટે સાહસિક અને દૂરંદેશી નેતૃત્વ પૂરું પાડવા બદલ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને ગોવર્ધન યોજનાના વિઝનને સાકાર કરવા બનાસ ડેરી સતત અગ્રેસર રહી છે. વૈશ્વિક ઓટોમોબાઇલ અગ્રણી સુઝુકી કંપનીના સહયોગ થકી રૂ.250 કરોડના મૂડીરોકાણ થકી બૃહદ બનાસકાંઠા જિલ્લામાં બાયો-સીએનજી ક્રાંતિ આગળ વધી રહી છે. દામા ખાતે 45 મેટ્રિક ટનથી શરૂ થયેલી આ સફર આજે 4 કાર્યરત પ્લાન્ટ થકી દૈનિક 340 મેટ્રિક ટન ક્ષમતાએ પહોંચી છે. આગામી સમયમાં થરાદ અને રાધનપુર ખાતે નવા બે પ્લાન્ટ આકાર લેશે. જિલ્લાના 30 લાખ પશુધનના છાણ થકી ભવિષ્યમાં આવા 100 પ્લાન્ટ સ્થાપવાની બૃહદ બનાસકાંઠાની ક્ષમતા છે. આ પ્રોજેક્ટ ક્લીન ફ્યુઅલની સાથે છાણના વૈજ્ઞાનિક મૂલ્યવર્ધન થકી જમીનનો ઘટતો ઓર્ગેનિક કાર્બન સુધારી પ્રાકૃતિક- ઝેરમુક્ત ખેતીને પ્રોત્સાહન આપશે, જેથી પશુપાલકોને દૂધ ઉપરાંત છાણમાંથી પણ આર્થિક ઉપાર્જન થશે.
અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, પશુપાલકોની માલિકીની ડેરીની જેમ ડ્રાઇવર પોતે વાહનનો માલિક બને તેવા સહકારી મોડલ સાથે દેશમાં પ્રથમ વખત ગ્રામીણ સ્તરે ‘ભારત ટેક્સી’નો શુભારંભ બનાસની ધરતી પરથી 9 ટેક્સીઓ સાથે કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્થાનિક યુવાનોને રોજગારીનું નવું માધ્યમ મળશે. આ સાથે તેમણે રાજ્ય સરકાર દ્વારા પશુપાલક બહેનો માટે રૂ. ૨૦ લાખ સુધીની વ્યાજમુક્ત યોજના તેમજ બજેટમાં સીએનજી પંપ માટે કરાયેલી જોગવાઈઓની સરાહના કરી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનાસ ડેરીએ ‘ગોબર થી ગૌરવ અને કચરામાંથી સંપત્તિ’ના વિચારને ચરિતાર્થ કરી દેશભરમાં સર્ક્યુલર ઇકોનોમીનું સફળ મોડલ સ્થાપિત કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના દૂરંદેશી નેતૃત્વ અને જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનના વૈશ્વિક સહયોગથી દામાથી શરૂ થયેલી સીએનજી યાત્રા આજે વિંછીવાડા પ્લાન્ટ સાથે નવી ઊંચાઈએ પહોંચી છે. પશુપાલકોની આવક વધારવા, ક્લીન એનર્જી ઉપલબ્ધ કરાવવા અને ખેતી માટે ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર પૂરા પાડવાના આ ત્રિવેણી મોડલને સમગ્ર રાજ્યમાં વિસ્તારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે બજેટમાં રૂ. 60 કરોડની વિશેષ જોગવાઈ કરી છે. બનાસ ડેરીના મેન્ટરશિપ અને માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં રાજ્યની અન્ય 7 જેટલી સહકારી ડેરીઓમાં પણ આવા બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરાશે.
મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો લેવાઈ રહ્યા છે, જેમાં સુઝુકીના સહયોગથી ગ્રામીણ વાહનચાલકોને માલિક બનાવતી ‘ભારત ટેક્સી’ જેવી પહેલ ઐતિહાસિક છે. આ સાથે ગ્રામીણ મહિલાઓ પશુપાલન થકી આર્થિક રીતે પગભર બને તે હેતુથી ગ્રામ વિકાસ વિભાગ અને એનઆરએલએમ મારફતે મહિલા સ્વસહાય જૂથોને રૂ. 1.50 લાખથી લઈને રૂ. 20 લાખ સુધીનું ધિરાણ 0% વ્યાજે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનું સંપૂર્ણ વ્યાજ સરકાર વહન કરશે. તેમણે જણાવ્યું કે,આધુનિક બ્રીડિંગ ટેક્નોલોજી, ગોવર્ધન યોજના અને વિવિધ મૂલ્યવર્ધિત પ્રકલ્પો થકી બનાસ ડેરી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના ગ્રામીણ અર્થતંત્ર અને શ્વેત ક્રાંતિ માટે રોલ મોડલ પૂરવાર થશે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પાણી અને કુદરતી સંસાધનોની ભારે અછત વચ્ચે સ્વર્ગસ્થ ગલબાકાકાએ શરૂ કરેલા સહકારી મોડેલ અને છેલ્લા એક દાયકામાં ચેરમેન શંકર ચૌધરીના કુશળ નેતૃત્વમાં બનાસ ડેરીએ પશુપાલકોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. આજે બનાસ ડેરી દૈનિક રૂ. 46 કરોડ, માસિક રૂ.1400 કરોડ અને વાર્ષિક અંદાજે રૂ. 16,800 કરોડ જેટલી માતબર રકમ સીધી ખેડૂતો-પશુપાલકોના બેંક ખાતામાં જમા કરાવી ગ્રામીણ અર્થતંત્રની મજબૂત કરોડરજ્જુ બની છે. સુઝુકી કંપની અને બનાસ ડેરીના સંયુક્ત સહયોગથી કાર્યરત બાયો-સીએનજી પ્રોજેક્ટની સરાહના કરતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થવા સાથે ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં મદદ મળશે અને પશુઓના છાણના યોગ્ય વ્યવસ્થાપન થકી ગ્રામીણ બહેનો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થયા છે.
આ પ્રસંગે અમૂલના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, બાયો-સીએનજી પ્રોજેક્ટ સમગ્ર સહકારી ડેરી ક્ષેત્ર માટે પથદર્શક સાબિત થશે. દૂધ ઉત્પાદનની સાથે સાથે પર્યાવરણ અને હરિત ઊર્જા ક્ષેત્રે લેવાયેલી આ પહેલથી પશુપાલકોની સમૃદ્ધિના નવા દ્વાર ખૂલશે. આ પ્રસંગે એનડીડીબીના ચેરમેન મિનેશ પટેલે જણાવ્યું હતું કે, એનડીડીબી- સુઝુકી-બનાસ ડેરીની ભાગીદારી થકી વેસ્ટ-ટુ-વેલ્થ સંકલ્પના સાકાર થઈ છે. છાણના વૈજ્ઞાનિક મૂલ્યવર્ધન થકી ક્લીન એનર્જી અને ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન ડેરી ઉદ્યોગને ટકાઉ વિકાસની નવી દિશા આપશે.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સરકારની 12 દૂધાળા પશુ ડેરી ફાર્મ સ્થાપના યોજના અંતર્ગત ધાનેરા તાલુકાના 180 દૂધ ઉત્પાદક લાભાર્થીઓને રૂપિયા 3.37 કરોડની સહાયના ચેક અર્પણ કરાયા હતા. આ સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિત, ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ, સહકારી આગેવાનો/ અધિકારીઓ, બનાસ ડેરીનું નિયામક મંડળ, સુઝુકી ઇન્ડિયાના પ્રતિનિધિઓ, વિવિધ મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
બનાસ બાયો-સીએનજી બનાસ મોડેલ
સુઝુકી ઈન્ડિયા અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે બાયો-સીએનજી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં દરરોજ 100 મેટ્રિક ટન ગોબરનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા છે અને સીએનજી પંપ મારફતે બાયો-સીએનજી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી સ્લરીમાંથી “ભૂમિ અમૃત” નામના પ્રમાણિત ઘન તથા પ્રવાહી કાર્બનિક ખાતરો તૈયાર કરવામાં આવે છે, જે જમીનની ફળદ્રુપતા અને આરોગ્ય સુધારવામાં તેમજ રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટ થકી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, ગૌ આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન અને ગોબરના અસરકારક ઉપયોગને વેગ મળી રહ્યો છે. સાથે જ ખેડૂતોને ઉપયોગી કાર્બનિક ખાતર ઉપલબ્ધ થવાથી કૃષિ ક્ષેત્રને પણ લાભ મળી રહ્યો છે. પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ ઊર્જા, ટકાઉ કૃષિ અને ખેડૂતોના સર્વાંગી કલ્યાણને એકસાથે જોડતો આ પ્રોજેક્ટ બનાસકાંઠાના સ્થાયી વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની “બનાસ મોડેલ” તરીકે નવી દિશા પ્રસ્થાપિત કરશે.
