ભાદરવી પૂનમ મહામેળો - 2025ના અંતિમ દિવસે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા મા અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી

મેળા દરમિયાન પ્રસાર પ્રચાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 07 Sep 2025 03:50 PM (IST)Updated: Sun 07 Sep 2025 03:50 PM (IST)
on-the-last-day-of-bhadarvi-poonam-maha-melo-2025-the-dhaja-was-hoisted-at-maa-ambas-abode-ambaji-by-the-district-information-office-palanpur-598982
HIGHLIGHTS
  • મા અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા.
  • માહિતી કચેરી દ્વારા પણ રોજે રોજ મેળાના સાતે દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળાની પળે પળની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા.

Bhadarvi Poonam Maha Mela 2025: અંબાજી ખાતે તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ માઁ અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. મેળા દરમિયાન પ્રસાર પ્રચાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી.

જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના, જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રચારની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી. મા અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાની સુચારું વ્યવસ્થા માટે 29 કમિટીઓ બનાવવામાં આવી હતી. જેમાં સમગ્ર મેળાના પ્રસાર પ્રચારની જવાબદારી જિલ્લા માહિતી કચેરી પાલનપુરને સોંપવામાં આવી હતી. મેળાના પ્રારંભના પંદર દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન, પ્રિ - પબ્લિસિટી અને મીડિયા મેનેજમેન્ટની ખુબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી. માહિતી કચેરી દ્વારા પણ રોજે રોજ મેળાના સાતે દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળાની પળે પળની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા.

જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે અંબાજી વી.આઈ.પી પ્લાઝાથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રચારથી સેવા, પ્રસાર થકી વિશ્વાસ અને પ્રતિબદ્ધતાથી તંત્ર સાથે સંકલન કરી પ્રિ - પબ્લિસિટી અને મેળા દરમિયાન પળે પળની માહિતીનો હકારાત્મક પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક સેવાઓ આપી હતી.

આ ધજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય, વરિષ્ઠ પત્રકાર રોનક પટેલ, માહિતી કચેરી પાલનપુર અને પાટણનો સ્ટાફ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.