'ગુજ્જુ લવ ગુરુ' ના પરિવાર માટે ખજૂરભાઈની મોટી જાહેરાત: સ્વખર્ચે નવું ઘર બનાવી આપશે અને 1.5 લાખની આર્થિક સહાય આપી; 2 કરોડનું ફંડ ભેગું કરવા અપીલ

'ગુજ્જુ લવ ગુરુ' ચંદન રાઠોડના પરિવાર માટે નિતિન જાનીની મોટી જાહેરાત, સ્વખર્ચે નવું ઘર બનાવી આપશે અને રૂ.1.5 લાખની સહાય કરી. પરિવાર માટે રૂ.2 કરોડનું ફંડ ભેગું કરવા અપીલ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 21 Sep 2026 10:54 AM (IST)Updated: Mon, 21 Sep 2026 10:54 AM (IST)
nitin-jani-khajur-bhai-request-people-to-help-chandan-rathod-gujju-love-guru-family

Nitin Jani on Chandan Rathod: બનાસકાંઠાના જાણીતા કલાકાર અને લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવગુરુ' (Gujju Love Guru) ના અકસ્માતમાં થયેલા નિધન બાદ સમગ્ર ગુજરાતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આ દુઃખદ સમયે તેમના પરિવારની મુલાકાતે અનેક મોટા નેતાઓ અને કલાકારો પહોંચી રહ્યા છે. પ્રખ્યાત કલાકાર અને સમાજસેવક નિતિન જાની (ખજૂરભાઈ) સુઈગામ ખાતે સ્વ. ચંદન રાઠોડના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા અને પરિવારની વહારે આવ્યા હતા.

પોતાના ખર્ચે નવું ઘર બનાવવાની જાહેરાત

ચંદન રાઠોડના પરિવારની પરિસ્થિતિ જોઈને નિતિન જાની અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ પોતાના અંગત ખર્ચે ગુજ્જુ લવગુરુના પરિવાર માટે એક સુંદર નવું ઘર બનાવી આપશે. આ માટે તેઓ કોઈ ફાળો કે ફંડ એકઠું નહીં કરે, પરંતુ ગુજરાતના તમામ ડિજિટલ ક્રિએટર્સ અને કલાકારોને માત્ર અડધીથી 2 કલાકનું શ્રમદાન આપવા અપીલ કરી છે જેથી સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળે.

1.5 લાખની રોકડ સહાય અને 2 કરોડનું ફંડ ભેગું કરવા અપીલ

નિતિન જાનીએ ગુજ્જુ લવગુરુના પરિવારને તાત્કાલિક 1.5 લાખ રૂપિયાની રોકડ રકમ આપીને આર્થિક સહાય કરી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતના તમામ નાગરિકો, નાના-મોટા કલાકારો અને સોશિયલ મીડિયા ક્રિએટર્સને અપીલ કરી છે કે જ્યાં સુધી ચંદન રાઠોડના પરિવાર માટે 2 કરોડ રૂપિયાનું ફંડ ભેગું ન થાય ત્યાં સુધી આ મદદની ઝૂંબેશ ચાલુ રાખવામાં આવે. તેમણે દરેક નાગરિકને 1 રૂપિયો કે 2 રૂપિયા જે પણ શક્ય હોય તેટલી સહાય આપવા વિનંતી કરી છે.

કમાનાર મોભી વગર પરિવાર મુશ્કેલીમાં

ઉલ્લેખનીય છે કે, પરિવારનો કમાનાર એકમાત્ર મોભી ચંદન રાઠોડ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના પરિવારમાં તેમની પત્ની, 2 નાનાં બાળકો, 60 વર્ષના અશક્ત પિતા અને 60 વર્ષના માનસિક રીતે બીમાર માતાશ્રી રહે છે. નિતિન જાનીએ જણાવ્યું હતું કે લોકો એવું વિચારતા હોય છે કે મિલિયન્સમાં ફોલોઅર્સ ધરાવતો કલાકાર ધનવાન હશે, પરંતુ ચંદન રાઠોડે પોતાના માટે કશું ભેગું કર્યું નથી અને જે પણ કમાણી થઈ તે પરિવાર અને જીવદયા તથા સેવાકાર્યોમાં વાપરી નાખી હતી.

ફ્રોડ સ્કેમર્સથી સાવધ રહેવા સલાહ

નિતિન જાનીએ સોશિયલ મીડિયા પર ચાલતા ફ્રોડ સ્કેમર્સથી લોકોને સાવધ રહેવા જણાવ્યું છે. તેમણે લોકોને વિનંતી કરી છે કે, શક્ય હોય તો સીધા સુઈગામ આવીને પરિવારને રૂબરૂ મળીને મદદ પહોંચાડે. આ પહેલા ઉત્તર ગુજરાતના અગ્રણી નેતા શંકર ચૌધરી પણ સવારે પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.