Gujju Loveguru Besna: ગત 17 સપ્ટેમ્બરે ભાભર સ્થિત હરિધામ ગૌશાળા નજીક માર્ગ અકસ્માતના જીવ ગુમાવનાર 'ગુજ્જુ લવગુરુ' તરીકે જાણીતા ચંદન રાઠોડનું આજે સૂઈગામમાં બેસણું યોજાયું હતુ. જેમાં ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના અનેક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો સહિત મોટી સંખ્યામાં તેમના ચાહકો પહોંચ્યા હતા.
ખજૂરભાઈએ 'ગુજ્જુ લવગુરુ'ના પરિવાર માટે નવું ઘર બનાવી આપવાની જાહેરાત કરી
સોશિયલ મીડિયામાં ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાની પણ આજે સૂઈગામ ખાતે ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે 'ગુજ્જુ લવગુરુ'ના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.
આ તકે નીતિન જાનીએ ચંદન રાઠોડના બે બાળકો અને પત્નીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાના ખર્ચે નવું ઘર બનાવી આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ ગુજરાતના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો, કન્ટેન્ટ ક્રિએટરો અને કલાકારોને પણ ચંદન રાઠોડના પરિવારની મદદ માટે આગળ આવવા માટે આહવાન કર્યું હતુ.
ચંદન રાઠોડ આટલી નાની વયે સેવાભાવી વ્યક્તિ તરીકેની સુવાસ છોડતો ગયો: શંકર ચૌધરી
'ગુજ્જુ લવગુરુ'ના બેસણામાં આવેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ કલાકારને શ્રદ્ધાંજલી આપતા જણાવ્યું કે, ચંદન રાઠોડ હાસ્ય સાથે સાહિત અને કલા લોકો સુધી પહોંચાડીને લોકોને સદૈવ હસાવતો કલાકાર હતો. ગામમાં તેમજ આસપાસના લોકોમાં એક સેવાભાવી વ્યક્તિ તરીકે સુવાસ આટલી નાની વયે છોડતો ગયો છે.
ચંદન રાઠોડે એક કલાકાર તરીકે પરિવાર સાથે જોઈને માણી શકે, તેવા વીડિયો બનાવ્યા. તેણે પોતાના વીડિયોમાં કોઈ વલ્ગારિટી ના નાંખી. કોઈની ટીકા કરીને પોતે મોટા થવું તેવા સ્વભાવમાં નહતી. ચંદને તો કોઈ ઘટના હોય, તો તેને પોતાના ઉપર લઈને હાસ્યનું સર્જન કરીને લોકોના હ્રદય સુધી પહોંચ્યો છે. આજે તેના બેસણામાં જે હજારો લોકો આવ્યા છે, તેજ દર્શાવે છે કે, લોકોના હ્રદયમાં પોઝિટિવનેસથી સાહિત્યથી પણ પહોંચી શકાય છે.
ચંદનભાઈ લોકોના દિલ જીતીને ગયા છેઃ CID કલાકાર
CID સ્ટાર અભય શુક્લા પણ આજે ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જ્યા તેમણે જણાવ્યું કે, હું તેમને એક જ વાર મળ્યો છું, પરંતુ એવું ના લાગ્યું કે અમે પહેલી વખત મળ્યા છીએ. ચંદન સેવાભાવી માણસ હતુ. કોરોના કાળમાં અનેક સારા કામ કર્યા હતા. આજે આ લોકોની ભીડ છે, તે ચંદનભાઈનો પ્રેમ છે. આવા માણસો આજના સમયમાં મળવા ખૂબ જ મુશ્કેલ છે. ચંદનભાઈ તમે લોકોના દિલ જીતીને ગયા છો.
