Mali Samaj Bandharan: વાવ-થરાદ જિલ્લાના ભાભર ખાતે માળી સમાજ દ્વારા સામાજિક એકતા અને સુધારા તરફ એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. સમાજમાં વ્યાપ્ત કુરિવાજો અને આર્થિક બોજ વધારતા ખોટા ખર્ચાઓને ડામવા માટે લેવાયેલા આ નિર્ણયો અન્ય સમાજો માટે પણ ઉદાહરણરૂપ સાબિત થશે.
ભાભર મુકામે 32 ગામ માળી સમાજની એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજના ઉત્થાન, શૈક્ષણિક પ્રગતિ અને દાયકાઓથી ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપવા માટે 'નવા બંધારણ'ની રચના કરી તેના કડક અમલીકરણનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે હવે આડંબર અને દેખાદેખી પાછળ થતા લાખો રૂપિયાના ખર્ચને અટકાવી તે નાણાંનો ઉપયોગ બાળકોના શિક્ષણ પાછળ કરવામાં આવશે.
આ પણ વાંચો
લગ્ન અને સગાઈ પ્રસંગોમાં સાદગીના કડક નિયમો
બેઠકમાં સૌથી મોટો નિર્ણય લગ્ન અને સગાઈમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર લેવાયો છે. નવા બંધારણ મુજબ હવેથી:
- ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ: લગ્ન પ્રસંગોમાં વરઘોડા કે અન્ય વિધિઓમાં ડીજે વગાડવા અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- રિંગ સેરેમની અને આડંબર: સગાઈ પ્રસંગે કરવામાં આવતી ભવ્ય રિંગ સેરેમની અને અન્ય ખર્ચાળ વિધિઓ પર રોક લગાવી સાદગીથી પ્રસંગ પૂર્ણ કરવા જણાવાયું છે.
- દાગીનાની મર્યાદા: સોના અને ચાંદીના દાગીના આપવા-લેવા બાબતે પણ ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ ન પડે.
મરણોત્તર વિધિઓમાં સુધારા
સમાજે માત્ર આનંદના પ્રસંગો જ નહીં, પરંતુ શોકના પ્રસંગોમાં પણ સુધારા કર્યા છે. મરણોત્તર વિધિઓ જેવી કે બારમું-તેરમું કે અન્ય જમણવારના પ્રસંગોમાં સાદગી જાળવવાનો અને બિનજરૂરી ખર્ચ અટકાવવાનો નિર્ણય લેવાયો છે. સમાજનું માનવું છે કે મૃત્યુ બાદ થતા ખોટા ખર્ચાઓ પરિવારને આર્થિક રીતે પાયમાલ કરે છે, જે અટકાવવા અનિવાર્ય છે.
નિયમભંગ બદલ દંડ અને શિક્ષણમાં યોગદાન
આ નવા બંધારણને માત્ર કાગળ પર મર્યાદિત રાખવાને બદલે તેનો કડક અમલ થાય તે માટે સમિતિની રચના કરવામાં આવી છે.
- દંડની જોગવાઈ: જો કોઈ વ્યક્તિ 32 ગામ માળી સમાજના આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની પાસેથી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલો આકરો દંડ વસૂલવામાં આવશે.
- શૈક્ષણિક ફંડ: સૌથી મહત્વની વાત એ છે કે દંડ પેટે વસૂલવામાં આવેલી રકમનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કામમાં નહીં, પરંતુ માળી સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરવામાં આવશે.
શિક્ષણ તરફ પ્રયાણની હાકલ
બેઠકમાં ઉપસ્થિત વડીલો અને આગેવાનોએ યુવા પેઢીને અપીલ કરી હતી કે, "આપણો સમાજ ખેતી અને મજૂરી સાથે જોડાયેલો છે, જો આપણે આર્થિક રીતે સદ્ધર થવું હશે તો કુરિવાજો છોડીને શિક્ષણને અપનાવવું જ પડશે." આ બેઠકમાં મોટી સંખ્યામાં યુવાનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પરિવર્તનના આ પવનને વધાવ્યો હતો.
