khajur Bhai Viral Video: લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર અને સમાજસેવી નિતીન જાની ઉર્ફે ખજુર ભાઈ હાલમાં વાવ-થરાદના સુઈગામ ખાતે ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરુ' નું ઘર બનાવી રહ્યા છે. આ માનવતાવાદી કાર્ય દરમિયાન ત્યાં શ્રમદાન કરવા અને મુલાકાતે આવતા અમુક લોકો ગુજ્જુ લવ ગુરુના પુત્ર કેતન સાથે વીડિયો અને વ્લોગ બનાવતા નજરે પડ્યા હતા. આ દ્રશ્યો જોઈને ખજુર ભાઈ નારાજ થયા હતા અને તેમણે બાળકના શિક્ષણ અને ભવિષ્યને લઈને સ્પષ્ટ શબ્દોમાં સૌને ટકોર કરી હતી.
'આને ભણવા દો, હાથમાં ફોન પકડાવી વ્લોગ ન બનાવો'
મળતી વિગતો મુજબ, શ્રમદાન માટે આવતા કેટલાક લોકો બાળક કેતન સાથે વીડિયો બનાવી રહ્યા હતા, જેના પર ખજુર ભાઈએ ગુસ્સે થઈને કહ્યું હતું કે, "આને ભણવા દો, આપણે આના જોડે આમ વીડિયો બનાવતા રહીશું તો આ ભણશે નહીં અને આવનારી પેઢી કંઈ શીખશે નહીં." તેમણે વધુમાં કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, અહીં આવીને જે લોકો આ બાળકના હાથમાં ફોન પકડાવી દે છે અને વ્લોગ બનાવી દે છે, તેવું કોઈ કરતા નહીં. ખજુર ભાઈએ સ્પષ્ટ કર્યું કે, પહેલા બાળકોએ ભણવું જોઈએ અને ત્યારબાદ સમય મળે ત્યારે વીડિયો બનાવે તો કોઈ વાંધો નથી.
બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પ્રત્યે સંવેદનશીલતા
સોશિયલ મીડિયાના યુગમાં નાના બાળકોને કન્ટેન્ટ કે વ્લોગનો હિસ્સો બનાવવાના વધતા વલણ વચ્ચે ખજુર ભાઈની આ પ્રતિક્રિયાને લઈને ચર્ચા જાગી છે. એક તરફ તેઓ જરૂરિયાતમંદ પરિવારને આશ્રય આપવા માટે સુઈગામમાં ઘર નિર્માણની કામગીરી કરી રહ્યા છે, તો બીજી તરફ બાળકનું શિક્ષણ ન બગડે તે માટે તેમણે કડક વલણ અપનાવ્યું છે. તેમના આ નિવેદન દ્વારા એ સંદેશ સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયાની લોકપ્રિયતા કે વીડિયો કરતાં બાળકનું ભણતર અને ઉજ્જવળ ભવિષ્ય વધુ મહત્વનું છે.
