'ગુજ્જુ લવ ગુરુ' ની દીકરીના શિક્ષણ માટે કોંગ્રેસ નેતા કરશનદાસ ભાદરકાની મોટી જાહેરાત: આજીવન દર વર્ષે આપશે 11000 રૂપિયાની આર્થિક સહાય

'ગુજ્જુ લવ ગુરુ' ચંદન રાઠોડની દીકરીના શિક્ષણ માટે કોંગ્રેસ નેતા કરશનદાસ ભાદરકાએ મોટી જાહેરાત કરી છે. દીકરી ભણે ત્યાં સુધી દર વર્ષે 11,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 21 Sep 2026 11:22 AM (IST)Updated: Mon, 21 Sep 2026 11:22 AM (IST)
karsandas-bhadarka-will-provide-financial-assistance-to-gujju-love-guru-chandan-rathod

Chandan Rathod Gujju Love Guru: દુનિયાને હસાવનારા અને લોકોના ચહેરા પર નિર્દોષ આનંદ પીરસનારા બનાસકાંઠાના લોકપ્રિય કલાકાર સ્વ. ચંદનભાઈ રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવગુરુ'ના અચાનક અવસાન બાદ તેમના પરિવારને મદદ કરવા માટે એક પછી એક સામાજિક અગ્રણીઓ અને નેતાઓ આગળ આવી રહ્યા છે. આ કડીમાં હવે કોંગ્રેસના અગ્રણી નેતા કરશનદાસ ભાદરકાએ પણ સ્વ. ચંદનભાઈ રાઠોડની દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સહાયની જાહેરાત કરી છે.

દીકરી ભણશે ત્યાં સુધી દર વર્ષે મળશે 11000 રૂપિયાની સહાય

કોંગ્રેસ નેતા કરશનદાસ ભાદરકાએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, 'ગુજ્જુ લવગુરુ' ચંદનભાઈ રાઠોડની દીકરી જ્યાં સુધી શિક્ષણ મેળવશે અને અભ્યાસ કરશે, ત્યાં સુધી તેઓ પોતાના તરફથી આજીવન દર વર્ષે શિક્ષણ અર્થે 11000 રૂપિયાની આર્થિક ભેટ અને સહાય આપશે. ચંદનભાઈની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત રહે અને તેને અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તે માટે તેમણે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

જેણે દુનિયાને હસાવી, તેના પરિવારની મદદ કરવી આપણી ફરજ: કરશનદાસ ભાદરકા

આ પ્રસંગે વાત કરતાં કરશનદાસ ભાદરકાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, જિંદગીમાં માણસ બીજા ચુકવણા કરે કે ન કરે, પરંતુ સમયસર આંસુઓના ચુકવણા ચોક્કસ કરતી હોય છે. આ આંસુઓ વચ્ચે જો કોઈ રાહત આપતું હોય તો તે હાસ્ય અને સ્મિત છે. જે વ્યક્તિએ વિશાળ જનસમુદાયને હસાવ્યો અને આનંદ આપ્યો, આજે તેના પરિવાર પર દુઃખ આવી પડ્યું છે. આ પરિવારના દુઃખને સુખ અને સ્મિત તરફ પ્રયાણ કરાવવું એ આપણા સૌની નૈતિક ફરજ અને ધર્મ છે.

કલા પ્રેમીઓ અને સમાજસેવકોને મદદ માટે વિશેષ અપીલ

કરશનદાસ ભાદરકાએ ચંદનભાઈ રાઠોડના આત્માની શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી હતી અને પરિવારને આ મોટો આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી સાંત્વના પાઠવી હતી. આ સાથે તેમણે બે હાથ જોડીને તમામ કલા પ્રેમીઓ, સમાજસેવકો અને દાતાઓને અપીલ કરી હતી કે જે કલાકારે લોકોને હસાવ્યા છે, તેના પરિવારને આ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા માટે સૌ સાથે મળીને આગળ આવે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જાણીતા સમાજસેવક અને કલાકાર નિતિન જાની (ખજૂરભાઈ) એ પણ સ્વ. ગુજ્જુ લવગુરુના પરિવારની મુલાકાત લઈને આર્થિક મદદ અને સહાયની અપીલ કરી હતી, જે બાદ હવે કરશનદાસ ભાદરકાએ દીકરીના શિક્ષણ માટે આજીવન સહાય આપીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.