Jignesh Mevani Sabar Dairy Clash: સાબર ડેરી ખાતે પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ઈડરના ઝીંજવા ગામના એક યુવાન, અશોક ચૌધરીના મૃત્યુના મામલે રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઝીંજવા ગામ પહોંચી મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી અને આ ઘટનાને 'મૃત્યુ નહીં, હત્યા' ગણાવી ભાજપ સરકાર અને સાબર ડેરી પર ગંભીર આરોપો લગાવ્યા છે.
ઘર્ષણ અને ખેડૂતોનો વિરોધ
પશુપાલકો છેલ્લા સાતથી આઠ દિવસથી ભાવફેર મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ ડેરીમાં દૂધ આપવાને બદલે રસ્તા પર ઢોળી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા. રજૂઆત સમયે પોલીસ સાથે મોટું ઘર્ષણ થયું હતું જેમાં પથ્થર ફેંકાયા અને ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
પોલીસ કાર્યવાહી અને આરોપો
પોલીસે પશુપાલકો પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે કે છોડવામાં આવેલા ટીયર ગેસના સેલ એક્સપાયરી ડેટના હતા.
અશોક ચૌધરીનું મૃત્યુ અને હત્યાનો દાવો
આખી ઘટનામાં ઈડરના ઝીંજવા ગામના અશોક ચૌધરી નામના યુવાનનું મોત થયું હોવાના સમાચાર મળ્યા હતા. જીગ્નેશ મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અશોક ચૌધરીનું મૃત્યુ નહીં, હત્યા થઈ છે. તેમણે દાવો કર્યો કે જો સાબર ડેરીએ નિયમ મુજબ ગયા વર્ષનો ભાવ વધારો આપ્યો હોત તો અશોકભાઈ ચૌધરીએ પોતાનું જીવન ગુમાવવું ન પડત.
ભાજપ સરકાર અને સાબર ડેરી પર મિલીભગતનો આરોપ
મેવાણીએ આ ઘટનાને ભાજપ સરકાર અને સાબર ડેરીની 'મિલીભગત' ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતો અને પશુપાલકોને જાણી જોઈને ઉશ્કેરવામાં આવ્યા અને તેનો લાભ લઈને લાઠીચાર્જ કરી તેમના પર હુમલો કરવામાં આવ્યો. તેમણે સાબર ડેરી, ભાજપ અને તેમના ઈશારે કામ કરતી સાબરકાંઠા પોલીસ પર 'ષડયંત્રો' રચવાનો આરોપ પણ લગાવ્યો.
જીગ્નેશ મેવાણીની મુખ્ય માંગણીઓ
- તાબડતોબ 24 કલાકમાં સાબર ડેરી અને સરકારે ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો સાથે મંત્રણા કરી ગયા વર્ષનો તમામ ભાવ વધારો/ભાવનો ફરક તાત્કાલિક ધોરણે ચૂકવી દે.
- અશોકભાઈ ચૌધરીની 'હત્યા' માટે જવાબદાર દોષિતો સામે લાગુ પડતી કલમ હેઠળ ગુનો દાખલ થાય.
- આ મામલાની તપાસ સાબરકાંઠા પોલીસને બદલે ગુજરાતના 'નોન-કરપ્ટ' અધિકારીઓને સોંપવામાં આવે, જેઓ ભાજપના ઈશારે કામ ન કરે.
- જસુભાઈ પટેલ સહિત 74 જેટલા ખેડૂતો પર કરવામાં આવેલા તમામ ખોટા કેસ પાછા ખેંચવામાં આવે.
