Idar: ઇડર તાલુકાના ગણેશપુરામાં રસ્તાના વિવાદમાં વૃદ્ધાનો મૃતદેહ 24 કલાક પડ્યો રહ્યો, દલિત સમાજનો પોલીસ, પ્રાંતમાં હોબાળો

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 25 Jul 2023 10:10 AM (IST)Updated: Tue, 25 Jul 2023 10:10 AM (IST)
idar-in-a-road-dispute-in-ganeshpura-of-idar-taluka-the-dead-body-of-an-old-man-was-left-lying-for-24-hours-the-police-of-the-dalit-community-an-uproar-in-the-province

ઇડરની નેત્રામલી ગ્રામ પંચાયત હસ્તકના ગણેસપુરા ગામના દલિત સમાજ અને ગ્રામ પંચાયત વચ્ચેના સ્મશાન તરફ જવાના રસ્તાના વિવાદને કારણે ગામની એક વૃદ્ધાનો મૃતદેહ 24 કલાકથી વધુ સમય સુધી અંતિમ સંસ્કારથી વંચિત રહ્યો હતો. બંને પક્ષે સામ-સામે આક્ષેપ- પ્રતિ આક્ષેપ વચ્ચે માનવતાને શર્મશાર કરતી આ ઘટનાને કારણે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ માટે નીચાજોણું થયું હતું. સોમવારે આ બાબતે ગ્રામજનો તંત્ર સમક્ષ હોબાળા અને અધિકારીઓની દરમિયાનગીરી બાદ મૃતદેહને અંતિમ મંઝિલ સુધી પહોંચાડાયો હતો.

નેત્રામલી પંચાયત ગૌચરની જમીનાં ખાનગી કંપનીના સહયોગથી વૃક્ષારોપણ કરી તારની ફેન્સીંગ મારી હતી. જો કે, આ ફેન્સીંગના કારણે પંચાયતના પેટા પરા ગણેશપુરામાં રહેતા દલિત સમાજના સ્મશાન તરફ જતો રસ્તો બંધ થઈ ગયો હોવાના આક્ષેપ સાથે તાજેતરમાં જ દલિત ભાઈઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

દરમિયાન રવિવારે બપોરે ગામના દલિત સમાજના એક વૃદ્ધાનું મૃત્યુ થતાં રસ્તો બંધ હોવાના કારણે અંતિમ ક્રિયામાં અડચણ ઉભી થઈ હતી. ગામના દલિત ભાઈ-બહેનોએ રસ્તો ખુલ્લો થયા બાદ જ અંતિમક્રિયા કરવાનું આકરું વલણ અપનાવતા સમગ્ર વિવાદ વધુ ઘેરો બન્યો હતો.